દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે જાહેર કરાયેલા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 6000 થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. અગાઉના દિવસ કરતા નવા કેસમાં લગભગ 13 ટકાનો વધારો થયો છે. દેશમાં કોરોનાના સક્રિય કેસમાં દર્દીઓની સંખ્યા વધીને 28,303 થઈ ગઈ છે. આ પહેલા ગુરુવારે દેશમાં 195 દિવસ બાદ કોરોનાના 5,335 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં 4.47 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.
આ સાથે જ ગઈકાલે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં બે-બે દર્દી અને કેરળ અને પંજાબમાં એક-એક દર્દીના સંક્રમણને કારણે મૃત્યુ થયા બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,30,929 થયો છે.
દેશમાં વધતા કોરોનાના કેસને લઇ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા આજે રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સમીક્ષા બેઠક કરશે. બપોરે 12 વાગ્યે યોજવામાં આવેલ આ બેઠકમાં કોરોનાની સ્થિતિ અને રાજ્ય સરકારોની તૈયારીઓ પર ચર્ચા થશે. જેમાં વધતા કોરોના કેસોને લઇ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલ સુવિધા અને સ્વાસ્થ્ય વસ્તુઓને લઈ પુરતો સ્ટોક છે કે નહિ. વધતા કેસો વચ્ચે કોઈને મુશ્કેલી ન પડે તે માટે રાજ્યોના આરોગ્ય વિભાગ સાથે યોગ્ય ચર્ચા કરવામાં આવશે.


