અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના એક સેનેટરી ઈન્સ્પેકટરના કેસમાં હાઈકોર્ટે અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા કાયદાની સ્પષ્ટતા કરી આપી હતી. જેમાં એવું ઠરાવ્યું હતું કે, કાયદાનો એ પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે પાછલા વેતન કોઈ પણ રીતે ‘ઓટોમેટીક રિલીફ’ (આપમેળે મળી રહે એવી રાહત) હોઈ શકે નહીં, ‘નો વર્ક નો પે’ (નહીં કામ નહીં વેતન)ની થિયરી જ લાગુ પડે.
ફોજદારી (ક્રિમીનલ) કાર્યવાહીના ભાગરૂપે બરતરફ થયેલો કર્મચારી પાછળથી નિર્દોષ મુક્ત થાય તો એ આધારે તે પાછલા વેતનનો દાવો કરી શકે નહીં. પ્રસ્તુત કેસમાં કોર્પોરેશને એક અભિપ્રાય ઉભો કર્યાના આધારે અરજદારને તમામ મળવાપાત્ર લાભ ચુકવ્યા હતા, જે અરજદારે કોઈ પણ વાંધા વિના સ્વીકાર્યા હતા. તેવા સંજોગોમાં અભિપ્રાયના આધારે જે લાભો આપવાના હોય એની ચુકવણી બાકી હોય તો કોર્પોરેશને એ ચુકવણી કરવી જોઈએ.’
આ મામલે અરજદારનો કેસ એવો હતો કે તેની નિમણુંક સેનેટરી ઈન્સ્પેકટર તરીકે અ.મ્યુ. કોર્પો.માં થઈ હતી. ત્યારબાદ વર્ષ 1997માં તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદના લીધે તેમને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારબાદ તેમની સામેની ફરિયાદનો મામલો ટ્રાયલ ચાલી હતી અને દરમિયાન વર્ષ 2000માં એક ચુકાદા મારફતે તેમને સર્વિસમાંથી ડિસમીસ કરાયા હતા. જો કે આ ચૂકાદા સામેની અપીલમાં વર્ષ 2018ના ચુકાદા મારફતે તેમને નિર્દોષ છોડાયા હતો. જો કે વર્ષ 2017માં તેઓ સેવાનિવૃત થઈ ગયા હતા. અરજદારને નિર્દોષ મુક્ત કરાયા બાદ તેમણે કોર્પોરેશનને વિનંતી કરી હતી કે તેઓ સેવા નિવૃત થયા ત્યાં સુધીના સર્વિસના મળવાપાત્ર લાભો આપવામાં આવે. જો કે કોર્પોરેશને એ લાભો આપવાનો ઈન્કાર કરતાં અરજદારે હાઈકોર્ટમાં પીટીશન કરી હતી. અરજદારની દલીલ હતી કે તેની સામે કોઈ ખાતાકીય તપાસ હાથ ધરાઈ નહોતી, કે કોઈ ચાર્જશીટ પણ તેની સામે કરવામાં આવી નહોતી. તેવા તબકકે કોર્પોરેશન અરજદારની નિવૃતિ પછીના લાભો આપવાનો ઈન્કાર કરી શકે નહીં.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ‘અરજદારને સસ્પેન્ડ અને ડિસમીસ કરાયા એ તમામ પિરીયડને કોર્પોરેશને કાઉન્ટ કરીને એક રકમ નકકી કરીને તેમને લાભો ચુકવ્યા છે. જેમાં પેન્શન, ગ્રેચ્યુઈટી અને લીવ એનકેશમેન્ટ બધુ સામેલ છે.’ આ પ્રકારનું અવલોકન કરી હાઈકોર્ટે રિટનો નિકાલ કર્યો હતો.