ભારતને 6 દુર્લભ બિમારીઓની 8 દવાઓ તૈયાર કરવામાં સફળતા મળી છે. અત્યાર સુધી આ દવાઓ પર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ આવતો હતો પણ હવે આવી 4 દવાઓ દેશમાં બનવી શરૂ થઈ ગઈ છે. ત્યારબાદ ઉપચાર ખર્ચ ઘટીને કેટલાક લાખ થઈ ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયા અને નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો. વી.કે.પોલે શુક્રવારે પત્રકાર સંમેલનમાં જણાવ્યું હતું કે, સરકારે ઉદ્યોગજગતની સાથે 13 દુર્લભ બીમારીઓની દવા ભારતમાં બનાવવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધીમાં 4 દવાઓ બજારમાં ઉતારવામાં આવી છે, અન્ય 4 દવાઓ તૈયાર છે, પણ તે મંજુરીની પ્રક્રિયામાં છે. તેમણે જણાવ્યું હતું કે, યકૃત જોડાયેલી બીમારી ટાઈરોસિનેમિયા ટાઈપ-1ની સારવાર માટે ઉપયોગી કેપ્સુલ નિટિસિનોમથી એક બાળકની સારવારનો ખર્ચ વાર્ષિક 2.2 કરોડ રૂપિયા આવે છે. હવે તેનો વાર્ષિક ખર્ચ અઢી લાખ થઈ જશે. અન્ય દુર્લભ રોગોની દવા 60 ગણી ઓછી થઈ છે, જેનો ઉપચારનો ખર્ચ વાર્ષિક 1.8 કરોડથી 3.6 કરોડ સુધીનો હતો, હવે તે ભારતીય દવાથી 3.6 લાખ રહી ગયો છે. સિકલ સેલ રોગની દવા હાઈડ્રોકસી યુરિયાની ટેબલેટ દેશમાં બને છે, પરંતુ બાળકોને ટેબલેટ આપવી મુશ્કેલ છે તેની સીરપ ઘણી મોંઘી છે. જેની 100 એમએલની એક બોટલની કિંમત લગભગ 70 હજાર રૂપિયા છે પરંતુ ભારતીય કંપનીઓને આ સીરપ માત્ર 405 રૂપિયામાં તૈયાર કરવામાં સફળતા મળી છે. આ સામાન્ય બિમારી નથી, એટલે દવા કંપનીઓ તેને ઓછી બનાવે છે. તેને લઈને જાગૃતિની પણ કમી હતી અને ઉપચાર પર ધ્યાન નહોતું આપવામાં આવતુ. સરકાર દુર્લભ બીમારીની મદદથી વર્ષમાં વધુમાં વધુ 50 લાખ રૂપિયા સુધીની મદદ કરે છે.