ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બારાબંકીમાં સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે અને 20 જેટલા મુસાફરો ઘાયલ થયા છે. રોડની બાજુમાં ઉભેલી એક ડબલ ડેકર બસ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી બીજી ડબલ ડેકર બસ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. તે જ સ્થળે 8 મુસાફરોના મોત થયા હતા. જાણવા મળી રહ્યું છે કે, ત્રણ લોકોની હાલત ખૂબ જ ગંભીર છે તેમને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રેફર કરવામાં આવ્યા છે.
આ ઘટના લોનીકટરા પોલીસ ચોકી વિસ્તારના નરેન્દ્રપુર મદરહા ગામની પાસે બની હતી. મળતી માહિતી પ્રમાણે આ બંને ડબલ-ડેકર બસો બિહારના સીતામઢી અને સુપોલથી દિલ્હી જઈ રહી હતી.
SSP મનોજ પાંડેય સહિત પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કાર્ય હાથ ધર્યું હતું. ઘાયલોને સીએચસી હૈદરગઢમાં દાખલ કરવામાં આવ્યા છે અને જે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમને લખનૌ રેફર કરવામાં આવ્યા છે. ગયા મહિને જ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર વધુ એક અકસ્માત થયો હતો. 15 જૂનના રોજ સુલ્તાનપુરના દોસ્તપુર પોલીસ ચોકી હેઠળ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોના મોત થઈ ગયા હતા અને 2 લોકો ઘાયલ થયા હતા. કારમાં કુલ 6 લોકો સવાર હતા. આ અકસ્માત ટેન્કર અને કાર સામ-સામે ટકરાવાના કારણે થયો હતો.