જામનગરમાં જલારામ સેવા ટ્રસ્ટ અને સુવર્ણમૂર્તિ પરિવાર દ્વારા જલારામ બાપાની 226મી જલારામ જયંતિ નિમિત્તે ભક્તિભાવપૂર્વક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ 7 બાય 7 ફૂટનો વિશાળ રોટલો તૈયાર કરી ભગવાન જલારામ બાપાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ અનોખી પરંપરા વર્ષ 2005ની 15 જાન્યુઆરીએ જામનગરમાં શરૂ થઈ હતી, જેને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. ત્યારથી દર વર્ષે અને વર્ષમાં બે વખત આ વિશાળ રોટલો તૈયાર કરવામાં આવે છે. આ રોટલો બનાવવા માટે કુલ 27 કિલો લોટ, 1.5 કિલો મીઠું, 500 ગ્રામ આદુ અને મસાલા, ત્રણ ડોલ પાણી તથા ત્રણ સ્વયંસેવકોની મહેનત લેવામાં આવી હતી. રોટલો તૈયાર થવામાં આશરે એક કલાક અને ત્રીસ મિનિટનો સમય લાગ્યો હતો, અને તેનો કુલ વજન 64 કિલો નોંધાયો હતો. આ વિશાળ રોટલો ભગવાન જલારામ બાપાને ભોગરૂપે અર્પણ કર્યા બાદ ભક્તોને પ્રસાદરૂપે વહેંચવામાં આવ્યો હતો.
આ વિશાળ રોટલાના દર્શન માટે જામનગરના હાપા જલારામ મંદિરે તથા રાજકોટ ખાતે પણ બે અલગ જગ્યાએ ભક્તો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો બંને સ્થળે રોટલાના દર્શન કરી શકશે તથા બાદમાં મહાપ્રસાદનો લાભ લઈ શકશે.
View this post on Instagram
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી જય જલારામના ગૂંજતા નાદ વચ્ચે ભક્તિભાવપૂર્વક દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. જલારામ સેવા ટ્રસ્ટ અને સુવર્ણમૂર્તિ પરિવાર દ્વારા આ અનોખી પરંપરાને સતત જીવંત રાખી ભક્તિભાવ અને સેવાભાવનું સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.


