જામનગર જિલ્લામાં જામનગરની 26, કાલાવડની 20, લાલપુરની 23, જામજોધપુરની 29, ધ્રોલની 11, જોડીયાની 10 મળી કુલ 119 ગ્રામ પંચાયતોની મતદાન પ્રક્રિયા ગઇકાલે યોજાઈ હતી. જેમાં સવારે 7 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લામાં સરેરાશ કુલ 72.91 ટકા મતદાન થયું હતું. આ ઉપરાંત જામનગર તથા જામજોધપુરની 4-4 તથા કાલાવડ લાલપુરની 1-1 ગ્રામ પંચાયતની પેટા ચુંટણીમાં 61.45 ટકા મતદાન થયું હતું.
જામનગર જિલ્લાની 119 ગ્રામ પંચાયતો સહિત રાજયની કુલ 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ગકાઇલે સવારે 7 વાગ્યા થી ચુસ્ત પોલીસબંદોબસ્ત વરચે મતદાનનો પ્રારંભ થયો હતો. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ, હોમગાર્ડઝ, એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
શિયાળાની કડકડતી ઠંડીમાં પણ મતદારો ભારે ઉત્સાહ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. જામનગર જિલ્લામાં 119 ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 72.91 ટકા મતદાન થયું હતું. જામનગરની 26 ગ્રામપંચાયતમાં 74.44 %, કાલાવડની 20 ગ્રામપંચાયતમાં 71.43 %, લાલપુરની 23 ગ્રામપંચાયત માં 74.79 %, જામજોધપુરની 29 ગ્રામપંચાયત માં 74.83 %, ધ્રોલની 11 ગ્રામપંચાયતમાં 72.31 %, જોડીયાની 10 ગ્રામપંચાયત માં 66.32 % મતદાન થયું હતું.
119 ગ્રામ પંચાયતોમાં કુલ 1,07,094 પુરુષો તથા 99,411 સ્ત્રીઓ મળી કુલ 2,06,505 મતદારો નોંધાયા હતાં. જે પૈકી 81,439 પુરુષો તથા 69,120 સ્ત્રીઓ મળી કુલ 1,50,559 મતદારોએ મતદાન કર્યું હતું. ટકાવારીની રીતે જોઇએ તો પુરુષોમાં મતદાનની ટકાવારી 76.04 ટકા તથા સ્ત્રીઓની મતદાનની ટકાવારી 69.53 ટકા રહી હતી. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં જામજોધપુરની 29 ગ્રામ પંચાયતોમાં સૌથી વધુ 74.83 ટકા જ્યારે જોડિયાની 10 ગ્રામ પંચાયતોમાં સૌથી ઓછું 66.32 ટકા મતદાન થયું હતું. જ્યારે પેટા ચૂંટણીમાં કાલાવડની એક ગ્રામ પંચાયતમાં 83.49 ટકા જેટલું જંગી મતદાન થયું હતું. શિયાળાની ઠંડી વચ્ચે પણ મતદારોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો ચિરાગભાઇ કાલરીયા તથા પ્રવિણભાઇ મુસડીયાએ પણ મતદાન કર્યું હતું. આ ઉપરાંત જામજોધપુર માર્કેટીંગ યાર્ડના ડિરેકટર અને તાલુકા ભાજપ અગ્રણી જયસુખભાઇ વડાલીયાએ વાલાસણ મુકામે તો જામજોધપુરના ધ્રાફા ગામે પૂર્વધારાસભ્ય અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન બ્રિજરાજસિંહ જાડેજાએ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. જયારે જામનગર જીલ્લાની ગ્રામપંચાયતની પેટા ચુંટણીમાં ગઇકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 61.45 ટકા મતદાન થયું હતું. જેમાં જામનગરની 4 ગ્રામપંચાયતમાં 56.30 %, કાલાવડની 1 ગ્રામપંચાયત માં 83.49 %, લાલપુરની 1 ગ્રામપંચાયત માં 81.43 %, અને જામજોધપુરની 4 ગ્રામપંચાયત માં 64.86 % મતદાન થયું હતું. જેની આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે.