જામનગર જિલ્લાની તમામ અદાલતોમાં શનિવારે લોક અદાલત યોજાઇ હતી. જેમાં 16541 કેસોમાંથી 7020 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને વિવિધ પ્રકારના દાવાઓમાં 22.13 કરોડનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું.
રાજ્યના કાનૂની સેવા સત્તા મંડળના આદેશ મુજબ જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શનિવારે લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાધાનને પાત્ર કેસો મુકવામાં આવ્યા હતાં. આ લોક અદાલતમાં સમાધાનને પાત્ર ફોજદારી સહિતના 11280માંથી 3509 કેસોનું રૂા. 3.15 કરોડ, લોક અદાલતમાં સીધા મુકાયેલ 861 કેસોમાં રૂા. 18.98 કરોડમાં સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. લોક અદાલતમાં વિમા કંપનીઓ, વિજ કંપની, રાષ્ટ્રીયકૃત અને અન્ય ખાનગી બેંકોના પ્રતિનિધિઓ, પક્ષકારો તથા વકીલો ઉપસ્થિત રહ્યા હતાં.