સતત વધતાં જતાં શહેરીકરણને કારણે શહેરો પર સંસાધન ઉપલબ્ધ કરાવવાનો બોજ વધતો જાય છે, જેને લઈને વિશ્ર્વ બેંકના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ઝડપથી વધતી શહેરી વસ્તીના કારણે આગામી 15 વર્ષમાં 840 બિલિયન ડોલર એટલે કે 68 લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર પડશે. આ દર વર્ષે સરેરાશ 55 બિલિયન ડોલર એટલે કે લગભગ 4.4 લાખ કરોડ રૂપિયા હશે. ભારતના પાયાના માળખાની જરૂરતોનું વિતપોષણ વાણિજિયક વિત પોષણના વિધ્નો અને નીતિગત કાર્યવાહીની સંભાવનાઓ શીર્ષક હેઠળનો આ રિપોર્ટ ઉભરતા નાણાકીય અંતરાલને પુરા કરવા માટે જલદી અને વધુ ખાનગી અને વાણિજિયક રોકાણની જરૂરિયાતો પર જોર આપે છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2036 સુધીમાં 60 કરોડ લોકો ભારતના શહેરોમાં રહેતા હશે. આ દેશની કુલ વસ્તીના 40 ટકા હશે. શહેરી ક્ષેત્રોમાં વસ્તીનું દબાણ વધશે તો સ્વચ્છ પેયજલ, વિધ્ન વિના વિજળીનો પુરવઠો, સુરક્ષિત માર્ગ પરિવહનની માંગ વધશે.
જેથી શહેરી રચનાઓ અને સેવાઓ પર વધારાનું દબાણ પડવાની આશંકા છે. હાલમાં કેન્દ્ર સરકાર અને રાજય સરકાર શહેરોના પાયાના માળખાના 75 ટકાથી વધુ નાણાકીય પોષણ કરે છે, જયારે શહેરી સ્થાનિક નિગમ ખુદ એકત્ર કરેલ આવકના માધ્યમથી 15 ટકા જ નાણાકીય પોષણ કરી શકે છે. રિપોર્ટ અનુસાર શહેરોમાં સુવિધા આપવાના મામલે ખાનગી કંપનીઓનું રોકાણ ઘણું ઓછું છે. હાલમાં માત્ર 5 ટકા જ ખાનગી સ્ત્રોતોમાંથી નાણાકીય પોષણ થઈ રહ્યું છે. સરકારની વર્ષ 2018ના વાર્ષિક શહેરી માળખામાં રોકાણ 16 બિલિયન ડોલર (1.29 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી ગયું હતું. આ સ્થિતિમાં માંગ અને નાણાની ઉપલબ્ધતાની ખાઈ ભરવા માટે ખાનગી નાણા પોષણની જરૂરત રહેશે. વિશ્ર્વ બેન્કના ભારતના ક્ધટ્રી ડાયરેકટર અગસ્ટે તાનો કોમેએ જણાવ્યું હતું કે, ભારતના શહેરોને હરિયાળા, સ્માર્ટ, સમાવેશી અને ટકાઉ શહેરીકરણ માટે મોટી માત્રામાં નાણા પોષણની જરૂરત છે. શહેરોને સક્ષમ બનાવવા માટે શહેરી સ્થાનિક નિગમ માટે એક અનુકુળ વાતાવરણ બનાવવું પડશે. તેને મજબૂત, મોટું અને ક્રેડીટ યોગ્ય બનાવવું પડશે, જેથી તે ખાનગી સ્ત્રોતો પાસેથી વધુ ઉધાર લઈ શકે. રિપોર્ટમાં મોટા પ્રમાણમાં પાયાગા માળખા યોજનાઓ ચલાવવા માટે શહેરી એજન્સીઓની ક્ષમતાઓ પર વિચાર કરવાની ભલામણ કરાઈ છે.