ઓઇસ્ટર ઇમ્પેક્ષ પ્રાઇવેટ લિ. કંપનીના સીઇઓ લીજુ ઝોનએ નાગપુરના વેપારી પ્રવિણ ક્રિષ્નારાવ નીનાવે સાથે સને-2010ની સાલમાં ખાંડ સપ્લાઇ કરવા માટે કોન્ટ્રાકટ કર્યો હતો અને તે સબબ ફીરયાદી લીજુ ઝોનએ આરોપીને એડવાન્સ પેટે પેમેન્ટ ટ્રાન્સફર કર્યું હતું પરંતુ આરોપીએ યેનકેન પ્રકારે ખાંડ સપ્લાય કરી શકેલ નહીં, આરોપીએ લીધેલ એડવાન્સ પેમેન્ટ ફરિયાદીને પરત કરવા માટે એક્સિઝ બેંક, વર્ધા રોડ, નાગપુર શાખાનો રૂા. એક કરોડનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ પોતાના ખાતામાં તે ચેક જમા કરાવતા પેમેન્ટ સ્ટોપેડ બાય ધ ડ્રોવર ના શેરા સાથે ચેક પરત કર્યો હતો. ત્યારબાદ ચેક મુજબની રકમ દિવસ-15માં પરત ચૂકવી આપે તે મુજબની ફરિયાદીએ પોતાના વકીલ મારફત નોટીસ આપી હતી. જે નોટીસનો આરોપીએ કોઇ જવાબ આપેલ નહીં અને ચેક મુજબની રકમની માગણી કરવા છતાં ચૂકવેલ નહીં, જેથી ફરિયાદીએ જામનગરની અદાલતમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ તળે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી અને તે કેસ જામનગરના સાતમા એડી. સિનિયર સિવલ જજની કોર્ટમાં ચાલી જતાં અને સમગ્ર પુરાવાનું મૂલ્યાંકન કરી ફરિયાદીના વકીલની તમામ દલીલો ધ્યાને રાખી આરોપી પ્રવિણ ક્રિષ્નારાવ નીનાવેને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138ના ગુના સબબ 6 માસની સાદી કેદની સજા તથા રૂા. એક કરોડ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે તથા આરોપીને સજાનું વોરંટ ઇસ્યૂ કરવામાં આવ્યું છે.
ફરિયાદી તરફે યુવાન ધારાશાસ્ત્રી નિતલ એમ. ધ્રુવ (એડવોકેટ), ડેનિશા એન. ધ્રુવ, ધર્મેશ વી. કનખરા, વિપુલ સી. ગંઢા તથા આસિ. જુનિયર આશિષ પી. ફટાણીયા તથા ધ્વનિશ એમ. જોષી રોકાયેલ હતાં.