Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજૂની પોલીસ ફરિયાદનો ખાર રાખી 6 શખ્સો દ્વારા ઘરમાં ઘૂસી યુવાન ઉપર...

જૂની પોલીસ ફરિયાદનો ખાર રાખી 6 શખ્સો દ્વારા ઘરમાં ઘૂસી યુવાન ઉપર સશસ્ત્ર હુમલો

6 શખ્સોનો કૂહાડી, પાઇપ, ધોકા વડે હુમલો કર્યો : છોડાવવા પડેલા મહિલા સહિતના ચાર વ્યકિતઓ ઘવાયા : સામાપક્ષે ચાર શખ્સો દ્વારા યુવાન ઉપર કૂહાડી અને પાઇપ વડે હુમલો : મારામારીમાં મોબાઇલ ફોન તોડી નાખ્યો : સામસામી ફરિયાદ નોંધી પોલીસ દ્વારા તપાસ

જામનગર શહેરના આંબેડકરવાસ વિસ્તારમાં બુધવારે રાત્રિના સમયે રાજકોટમાં રહેતાં યુવાન ઉપર અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી 6 શખ્સોએ ઘરમાં ઘૂસી લોખંડના પાઇપ અને દાતરડા તથા લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. સામાપક્ષે ચાર શખ્સો દ્વારા યુવાન ઉપર લોખંડના પાઇપ અને કૂહાડી વડે વળતો હુમલો કરી મોબાઇલ ફોન તોડી નાખ્યાની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ જામનગરમાં આંબેડકરવાસ પાસે બાઇની વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ રાજકોટના વિજયભાઇ દામજીભાઇ પરમાર નામના યુવાને અગાઉ પ્રકાશ જેઠા પરમાર વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદનો ખાર રાખી બુધવારે રાત્રિના સમયે પ્રકાશ જેઠા પરમાર, કિશોર દિનેશચંદ્ર પરમાર, રાજ કિશોર પરમાર, વિમલ દીપક પરમાર, યુવરાજ પ્રકાશ પરમાર અને ભાવેશ પ્રવીણ પરમાર નામના 6 શખ્સોએ એકસંપ કરી ઘરમાં ઘૂસી લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને દાતરડા વડે હુમલો કર્યો હતો. તેમજ વિજયને ઢસડીને ફળિયામાં લઇ જઇ આડેધડ માર માર્યો હતો. વિજયને બચાવવા વચ્ચે પડેલા પનીબેન અને યશવંતભાઇ તથા દામજીભાઇને ફડાકા ઝિંકી લોખંડના પાઇપ તથા સળિયા વડે હુમલો કરી આડેધડ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

6 શખ્સો દ્વારા હુમલો કરાતાં સામાપક્ષે પણ વિજય દાના પરમાર, નીતિન દેવજી જેપાર, દાના રામજી પરમાર, યશવંત ઉર્ફે યશુ દાના પરમાર નામના ચાર શખ્સોએ પ્રકાશ જેઠા પરમારને ગાળો કાઢી કૂહાડી વડે માથામાં હુમલો કર્યો હતો. ઢીકાપાટુનો માર મારી પ્રકાશને ઢસડીને લોખંડના પાઇપ વડે હુમલો કરી પછાડી દીધો હતો. આ મારામારીમાં પ્રકાશનો 15 હજારની કિંમતનો મોબાઇલ પણ તોડી નાખ્યો હતો. સામસામા કરાયેલા હુમલામાં મહિલા સહિત પાંચ શખ્સો ઘવાયા હતા. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એમ. કે. બ્લોચ તથા સ્ટાફ દ્વારા વિજય પરમારની 6 શખ્સો સામે અને પ્રકાશ પરમારની 4 શખ્સો સામે સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular