57 મુસ્લિમ દેશોના બનેલાં સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઇસી)એ પણ ભાજપના બે નેતાઓ દ્વારા મહંમદ પયગમ્બર સામેના વિવાદાસ્પદ નિવેદનની ટીકા કરી છે. સંગઠને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે ભારતમાં છેલ્લાં થોડાક સમયથી મુસ્લિમોની સામે હિંસાના કેસો વધ્યા છે. કેટલાક રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાનોમાં હિજાબ પર પ્રતિબંધની સાથે મુસ્લિમો પર નિયંત્રણો મુકવામાં આવી રહ્યા છે. જોકે ભારતે વિદેશ મંત્રાલયના ઓઆઇસીના નિવેદન સામે વાંધો દર્શાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત ઓઆઇસી સેક્રેટરિયેટની બિનજરૂરી અને નિમ્ન સ્તરના વિચાર સરણીની ટિપ્પણીઓને સ્પષ્ટ રીતે નકારે છે. ભારત સરકાર તમામ ધર્મોને સન્માન આપે છે.બાગચીએ ઉમેર્યું છે કે ઓઆઇસી હવે ખુલ્લું પડી ગયુ છે કે અનેક સ્થાપિત હિતો વતી તેમના ભાગલાવાદી એજન્ડાને પાર પડી રહ્યું છે. એક ધાર્મિક મહાનુભાવને ઉતારી પાડતા ટ્વિટ્સ અને ટિપ્પણીઓ કેટલીક વ્યક્તિઓએ કરી હતી. તે કોઇપણ રીતે ભારત સરકારના અભિપ્રાયોને પ્રતિબિંબિત કરતું નથી. સંબંધિત સંસ્થાઓ દ્વારા આ વ્યક્તિઓ સામે આકરા પગલાં લેવાયા છે. અમે ઓઆઇસીના સેક્રેટેરિએટને અપીલ કરીએ છીએ કે તે તેનો કોમી અભિગમને ચલાવવાનું બંધ કરી દે અને તમામ ધર્મો અને આસ્થા પ્રત્યે સન્માન બતાવે. ઇસ્લામિક દેશ માલદીવમાં વિપક્ષે સંસદમાં ભાજપ પ્રવક્તાની ટિપ્પણી સામે એક ઇમર્જન્સી દરખાસ્ત રજૂ કરાઇ છે. માલદીવની ઇબ્રાહીમ મોહમ્મદ સોલિહ સરકાર આ મામલે પ્રતિસાદ આપવાથી બચી રહી છે, પરંતુ મોટાભાગના તમામ વિપક્ષોએ તે મામલે આકરો પ્રતિસાદ આપ્યો છે. વિપક્ષે આ કેસમાં માલદીવ સરકારની ચુપકીદી પર નિરાશા જાહેર કરી છે. ઉલ્લેખનિય છે કે ઓઆઇસીએ યુએનને અપીલ કરી છે કે ભારતમાં મુસ્લિમોના હક્કોનું રક્ષણ થાય તે માટે તે જરૂરી પગલા લે. ભાજપે પણ તરત પગલું લઇને પ્રવક્તા નુપૂર શર્માને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. એ પછી ભારતે નિવેદન જારી કરીને કહ્યું કે જે પણ ખોટા નિવેદનો થયા તે ભારત સરકારનું સત્તાવાર સ્ટેન્ડ નથી. સાઉદી આરબ અને બહેરીને આ પગલાને આવકાર્યા છે.