કચ્છમાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડાએ માલ-મિલ્કતોને વ્યાપક નુકશાન પહોંચાડયું છે અને તેમાં વેપારઉદ્યોગ જગતને 5000 કરોડનું નુકશાન હોવાનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે. દૈનિક ઉત્પાદન ઠપ્પ રહેવા ઉપરાંત વરસાદ-પવનથી ઘણી નુકશાની છે. બંદરો બંધ રહ્યા હતા. ઉપરાંત સાત જીલ્લાઓમાં અતિ ભારે વરસાદથી ઔદ્યોગિક ઉત્પાદન થંભી ગયુ હતું. પરિવહન પણ ઠપ્પ થયુ હતું.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે, અસરગ્રસ્ત ભાગોમાં વિજથાંભલા સહિતની માળખાગત સુવિધાઓ નારાજ થતા વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં ગતિવિધિ નોર્મલ થવામાં હજું કેટલાક દિવસો લાગી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ ટેકસટાઈલ્સ, સિરામીક, બ્રાસપાર્ટ, એન્જીનિયરીંગ જેવા ઉદ્યોગોના પ્લસ્ટર ધરાવે છે.
મીઠા ઉદ્યોગ ખૂબ મોટો છે. સમગ્ર વિસ્તારમાં વિજ પુરવઠો નોર્મલ કરવા માટે સેંકડો ટીમોને મેદાને ઉતારવામાં આવી જ છે છતાં જે રીતે તારાજી છે તે જોતા ઔદ્યોગીક ગતિવિધિ નોર્મલ થવામાં હજુ કેટલાંક દિવસો લાગી જાય તેમ છે.
9000 જેટલા નાના-મોટા એકમો ધરાવતો જામનગરનો બ્રાસપાર્ટ ઉદ્યોગ ભારે વરસાદ તથા પરિવહન ઠપ્પ થવાને કારણે સ્થગીત જેવો થઈ ગયો છે. અનેક વિજથાંભલા ઉખડી ગયા હતા. કારખાનામાં ફરી શરૂ થવામાં પાંચથી સાત દિવસ નિકળી જાય તેમ છે. વિજટીમો રીપેરીંગમાં કામે લાગી છે. વિજસપ્લાય શરૂ થાય પછી જ ઉદ્યોગ ધમધમી શકે તેમ હોવાનું જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ કહ્યું હતું. નિકાસ ઓર્ડર પણ ફટકો છે. દર મહિને 4000 ટન બ્રાસપાર્ટસનું ઉત્પાદન થાય છે.
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેગજી કાનગડે કહ્યું કે બંદરો તથા પરિવહન સંપૂર્ણ ઠપ્પ છે જંગી કાર્ગોનો ભરાવો છે તેની પણ ઉદ્યોગોમાં અસર છે. કંડલા-મુંદ્રા રૂટ પર જ 10000થી વધુ ટ્રક અટવાયેલા છે. બન્ને બંદર ગત મંગળવારથી બંધ છે.
મીઠા ઉત્પાદનમાં મોરબી નજીકનુ માળીયા તથા કચ્છનું નવલખી મુખ્ય મથક ગણાય છે. મીઠાની ભરસીઝન હોવાને કારણે ઉત્પાદન એકમોમાં મોટો સ્ટોક હતો. પાંચ લાખ ટન મીઠુ તણાઈ-ધોવાઈ ગયાનું અનુમાન છે. મહિને સોલ્ટ મેન્યુફેકચરર્સ એસોસીએશનના કહેવા પ્રમાણે આગોતરી ચેતવણી હતી છતાં જંગી સ્ટોકને ખસેડવાનું મુશ્કેલ હતું. 500 ઉત્પાદન એકમોમાં સ્ટોક ધોવાઈ ગયો હતો. હવે સપ્લાયમાં ખેંચ વર્તાશે એટલે ઔદ્યોગીક મીઠાના ભાવમાં તેજી થવાની શકયતા છે. એશિયાના સૌથી મોટા સિરામીક કલસ્ટર તરીકે ગણના પામતા મોરબીના સિરામીક ટાઈલ્સ ઉદ્યોગને 450 કરોડનો કારોબાર ઠપ્પ થયાનો અંદાજ છે. 1000 જેટલી ટાઈલ્સ-સેનીટરીવેર્સ ફેકટરીઓ ધરાવતા ઉદ્યોગોમાં 15 જૂનથી રજા છે. ફેકટરીઓ દસ દિવસ બંધ રહેશે અને તેમાં 450 કરોડનુ ઉત્પાદન નુકશાન રહેશે. ભારે વરસાદ ઠપ્પ પરિવહન તથા વિજપુરવઠાને કારણે ફેકટરીઓ બંધ રાખવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાનું સિરામીક એસોસીએશનના પુર્વ પ્રમુખ કે.જી.કુંડારીયાએ કહ્યુ હતું.