જામનગરના પટેલ કોલોની વિસ્તારમાંથી જામનગર એસઓજીની ટીમએ ત્રણ મહિલા તથા બે પુરૂષો બાંગ્લાદેશના વતની હોવાની આશંકા સાથે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ અંગે અન્ય સુરક્ષા એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે.
જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર 11, સ્વસ્તિક મારબલની સામે આવેલા મકાનમાં બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર વસવાટ કરતાં હોય અને શંકાસ્પદ હિલચાલ હોવાની એસઓજીના પીએસઆઇ એ. વી. ખેર, પો.કો. કુલદીપસિંહ સોઢાને બાતમી મળી હતી. જામનગર સરહદી જિલ્લો હોય, લાંબો દરિયાકિનારો તેમજ મોટી ઓઇલ રિફાઇનરીઓ આવેલી હોય, તે દ્રષ્ટિએ જામનગર જિલ્લો અતિસંવેદનશીલ હોય દેશવિરોધી પ્રવૃત્તિ કરતાં શખ્સોને શોધવા જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઈન્સ્પેકટર બી.એન. ચૌધરી, પીએસઆઈ એલ. એમ. ઝેર, પી. પી. જાડેજા તથા સ્ટાફના અનિરૂઘ્ધસિંહ ઝાલા, રાયદેભાઇ ગાગિયા, રમેશભાઇ ચાવડા, હર્ષદભાઇ ડોરિયા, વિજયભાઇ કારેણા, મયૂરરાજસિંહ જાડેજા, લાલજીભાઇ રાતડિયા, વિરેન્દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા, ફિરોજભાઇ ખફી, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, જયેશભાઇ પઢેરિયા, કુલદીપસિંહ સોઢા, નરપાલસિંહ જાડેજા, પ્રવીણસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા પટેલ કોલોની શેરી નંબર 11, સ્વસ્તિક મારબલની સામે આવેલ ગુલામમયુદ્ીન અબ્દુલકરીમ ખાન ગાગદાણીના મકાનમાંથી શાહબુદીન મોહમદ ગૌષ શેખ, મહમદઆરીફ મુજીબર શેખ, જમીલાબેગમ અનારદી શેખ, નઝમાબેગમ અબ્દુલહકીમ હાઉલડર તથા મુર્શિદાબેગમ મહમઅદ આરીફ મુજીબલ શેખ નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.
View this post on Instagram
તેઓની પૂછપરછ દરમ્યાન તેમની પાસેથી પશ્ર્ચિમ બંગાળના રહેવાસી હોવાના આધારકાર્ડ મળી આવ્યા હતા. તેમજ આ વ્યક્તિઓ પૈકીના બે પુરૂષ અને બે મહિલા લાંબા સમયથી ત્યાં મકાન ભાડે રાખીને વસવાટ કરતાં હતાં અને એક મહિલા તાજેતરમાં જ ત્યાં રહેવા આવી હતી. તેઓ પાસેથી પાસપોર્ટ, વિઝા કે ભારત સરકારની પૂર્વમંજૂરી ન હોવાનું સામે આવ્યું હતું. પાંચેય શખ્સોને પાસપોર્ટ ધારા ભંગ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની સમક્ષ હાજર કરી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. તેમજ આ શખ્સો શા માટે જામનગર આવ્યા?, કોની પાસે આશરો મળ્યો? સહિતની બાબતોના જવાબો મેળવવા પૂછપરછ ચાલી રહી છે તથા ભારતીય એમ્બેસી તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી રહી છે.


