ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ ખુલાસો કર્યો છે કે લગભગ 45 ટકા ડોક્ટરો અધૂરી પ્રિસ્ક્રિપ્શન લખી રહ્યા છે, જે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે સીધો ખેલ કરી રહ્યા છે. સંસ્થાનું કહેવું છે કે ઓપીડીમાં દર્દીઓને પ્રારંભિક તબીબી સલાહ આપતા ડોકટરો તેમની ઉતાવળમાં ખૂબ જ બેદરકારી દાખવે છે. 13 જાણીતી સરકારી હોસ્પિટલોના સર્વે બાદ તૈયાર કરવામાં આવેલા ICMRના આ રિપોર્ટ બાદ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આ બેદરકારીને રોકવા માટે કડક પગલાં લઈ શકે છે. વર્ષ 2019 માં, આઇસીએમઆરએ દવાઓના તર્કસંગત ઉપયોગ પર એક ટાસ્ક ફોર્સની રચના કરી, જેની દેખરેખ હેઠળ ઓગસ્ટ 2019 થી ઓગસ્ટ 2020 વચ્ચે 13 હોસ્પિટલોની OPD માં સર્વે કરવામાં આવ્યો. તેમાં મુખ્યત્વે દિલ્હી આઇસીએમઆર, સફદરજંગ હોસ્પિટલ, ભોપાલ એઇમ્સ, બરોડા મેડિકલ કોલેજ, મુંબઈ જીએસએમસી, સરકારી મેડિકલ કોલેજ, ગ્રેટર નોઈડા, CMC વેલ્લોર, પીજીઆઇ ચંદીગઢ અને ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ, પટનાનો સમાવેશ થાય છે. આ હોસ્પિટલોમાંથી કુલ 7,800 દર્દીઓના પ્રિસ્ક્રિપ્શન લેવામાં આવ્યા હતા. તેમાંથી 4,838ની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 2,171 પેપરમાં ખામીઓ જોવા મળી હતી. આરૂર્ય ત્યારે થયું જયારે 475, એટલે કે લગભગ 9.8% પ્રિસ્ક્રિપ્શનો સંપૂર્ણપણે ખોટા હોવાનું જણાયું. આ એવી સ્થિતિ છે જેને સ્વીકારી શકાય તેમ નથી. એવું પણ જોવામાં આવ્યું હતું કે મોટાભાગના દર્દીઓને પેન્ટોપ્રાઝોલ, રેબેપ્રાઝોલ-ડોમ્પેરીડોન અને એન્ઝાઇમ દવાઓ લેવાની સલાહ આપવામાં આવી હતી, જયારે ઉપલા શ્ર્વસન માર્ગના ચેપ અને હાઈ બ્લડ પ્રેશર માટેની પ્રિસ્ક્રિપ્શનો સૌથી ખોટી હોવાનું જણાયું હતું.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ 1985 માં તર્કસંગત પ્રિસ્ક્રિપ્શનો સંબંધિત આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા લાગુ કરી હતી. છતાં એવો અંદાજ છે કે વિશ્ર્વભરમાં 50 ટકા દવાઓ દર્દીઓને અયોગ્ય રીતે આપવામાં આવે છે.