જામનગર મહાપાલિકાની આરોગ્ય શાખામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતાં કરાર આધારિત 44 કર્મચારીઓને છૂટા કરવા આદેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જામ્યુકો દ્વારા કરાયેલી નિયમિત ભરતીની કેડર અને આ કરાર આધારિત કર્મચારીઓની કેડર એકસમાન હોય, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આ જગ્યાઓ માટે બજેટ મળવાપાત્ર રહેતું ન હોવાના કારણે આ 44 કર્મચારીઓને તા. 28 ફેબ્રુઆરીથી છુટા કરવામાં આવી રહ્યાં છે. 10 વર્ષથી ફરજ બજાવતાં કર્મચારીઓને એકાએક છૂટા કરવાનો આદેશ કરવામાં આવતાં કર્મચારીઓની હાલત કફોડી બની ગઇ છે.
રાજય સરકાર દ્વારા GUHP અંતર્ગત મેડીકલ તથા પેરામેડીકલ સ્ટાફની કાયમી જગ્યાઓ મંજુર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને અત્રેના કોર્પોરેશન દ્વારા આ જગ્યાઓ તાજેતરમાં ભરવામાં આવેલ છે. જેથી રેગ્યુલર બજેટમાં ભરાયેલ કાયમી જગ્યાઓ ધ્યાને લેતા કરાર આધારિત ભરેલ જગ્યાઓની કેડર સરખી હોવાથી વર્ષ 2022-23 નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આ જગ્યાઓનું બજેટ મળવાપાત્ર રહેતુ નથી. જેથી બજેટ મળવાપાત્ર ન હોય તેટલી કરાર આધારિત જગ્યાઓની અવધિ સમાપ્ત કરવામાં આવી છે. નેશનલ હેલ્થ મિશનના કરાર આધારીત આદેશની શરતો અને બોલીઓ અનુસાર કાયમી ભરતી થતા મેડીકલ તથા પેરામેડીકલ સ્ટાફના 44 કર્મચારીઓને કરાર આધારીત આદેશ તા. 28-ફેબ્રુઆરી-2022 સુધી અમલમાં રહેશે.