જામનગર જિલ્લા પંચાયતના કર્મચારીઓને બઢતી આપવા અંગે જિલ્લા પંચાયત કર્મચારી સંઘ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત અંગે તંત્રના હકારાત્મક અભિગમથી 44 જેટલાં કર્મચારીઓને તાજેતરમાં બઢતી આપવામાં આવી હતી.
જામનગર જિલ્લા પંચાયતના વિવિધ કેડરના કુલ 44 કર્મચારીઓને તાજેતરમાં બઢતીઓ આપવામાં આવી હતી.
કર્મચારીઓનીવિવિધ 18 કેડરનું પ્રતિનીધિત્વ કરતાં, જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને વખતોવખતની રજૂઆતોને ધ્યાને લઈને તા.30/06/2022ના રોજ જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ દ્વારા એક જ દિવસમાં જુ.ક્લાર્ક (વહીવટ)-15, ગ્રામ સેવક-19, ફીમેલ હેલ્થ વર્કર-09, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ)-01 એમ કુલ-44 કર્મચારીઓને ઉપલી કેડરમાં બઢતીઓના હુકમો ઇસ્યુ કર્યા છે.
સરકારે નિયત કરેલ પરીક્ષાઓ અને સમયગાળો પૂર્ણ થયા બાદ પાત્રતા ધરાવતા કર્મચારીઓને બઢતી મળવાથી આર્થિક લાભ સાથે ઉપલી કેડરનો હોદ્દો ધારણ કર્યાનો આનંદ મળે છે. જેનાથી તેઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે, જે એકંદરે સરકારની વિવિધ યોજનાઓ અને પ્રજાલક્ષી કામોમાં પણ હકારાત્મક અસર કરે છે.
જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી કિર્તન રાઠોડના સહીયારા હકારાત્મક અભિગમ દ્વારા વિવિધ કેડરના કર્મચારીઓની બઢતી મળેલ હોવાથી કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઇ છે અને કર્મચારી સંઘ આભારની લાગણી વ્યક્ત કરી હતી.