Sunday, December 22, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છદ્વારકા-જામનગર-પોરબંદરને 4,100 કરોડના વિકાસની ભેટ

દ્વારકા-જામનગર-પોરબંદરને 4,100 કરોડના વિકાસની ભેટ

- Advertisement -

દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ ખાતે ગઈકાલે રવિવારે રૂ. 978 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સુદર્શન સેતુના લોકાર્પણ પ્રસંગે દ્વારકામાં એન.ડી.એચ. ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાનની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આજની પેઢી નવા ભારતનું નિર્માણ થતું જોઇ રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલા મેગા પ્રોજેક્ટને કારણે નવા ભારતની નવી તસવીર બની છે. ભારતે આધુનિક કનેક્ટિવિટીથી સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્ર નિર્માણનો માર્ગ કંડાર્યો છે. જેનો સકારાત્મક પ્રભાવ દેશ અને ગુજરાતના પ્રવાસન ઉપર પડ્યો છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

- Advertisement -

જાહેર સભાને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દેશમાં આધુનિક સુવિધાઓ ઉભી થતાં વિદેશી પર્યટકોની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ થઇ રહી છે. વર્ષ 2022 દરમિયાન 85 લાખ વિદેશી પર્યટકોએ ભારતની મુલાકાત લીધી હતી. તેમાંથી એકલા ગુજરાતમાં જ 15.5 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. ઇ-વિઝા ઉપરાંત પ્રવાસન સ્થળો સાથેની વધેલી કનેક્ટિવિટી અને સુવિધાઓને કારણે દેશના પર્યટન સ્થળોનું વિદેશમાં આકર્ષણ વધ્યું છે. જેના કારણે ગુજરાતમાં રોજગાર અને સ્વરોજગારના અવસરો વધ્યા છે. કૃષ્ણ નગરી દ્વારકા ખાતેથી વડાપ્રધાન મોદીએ દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓને રૂ. 4100 કરોડના વિવિધ 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસ કામોમાં દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઈડ બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.

વડાપ્રધાન મોદીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સુદર્શન સેતુ ઓખા અને બેટ દ્વારકા દ્વીપને જોડવાની સાથે દ્વારકાધીશના દર્શનને વધુ આસાન બનાવશે અને તેની દિવ્યતાને ચારચાંદ લગાવશે. જે ઇશ્વરરૂપી જનતા જનાર્દનના સેવક મોદીની ગેરેંટી છે. સુદર્શન સેતુ માત્ર સુવિધા નથી, પરંતુ ઇજનેરી કૌશલ્યનું અદ્દભૂત ઉદાહરણ છે, તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓેએ સુદર્શન સેતુનું અધ્યયન કરવું જોઇએ. આ સુદર્શન સેતુ, સુ-દર્શન છે. સુદર્શન સેતુ ભારતનો સૌથી લાંબો કેબલ આધારિત પૂલ છે. સુદર્શન સેતુના કારણે ઓખા ફરીથી દુનિયાના નકશામાં ચમકશે.

- Advertisement -

ઓખાના ભવ્ય ભૂતકાળની યાદ અપાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક સમયે ઓખા વેપારી બંદર તરીકે વિખ્યાત હતું. ઓખાની એટલી શાખ હતી કે અહીં મોકલવામાં આવતી વસ્તુઓ ઉત્તમ ગુણવત્તાવાળી માનવામાં આવતી હતી. રશિયાના અસ્ટ્રાખાન પ્રાંતમાં આજે પણ સારામાં સારા સ્ટોર કે મોલના નામ આગળ ઓખા લગાડવામાં આવે છે. ત્યાં ઓખા એટલે ઉત્તમ ગુણવત્તા.

બેટ-દ્વારકાના લોકો, શ્રદ્ધાળુઓ ફેરી બેટ ઉપર નિર્ભર હતા, આ સમસ્યાના નિવારણ માટે અહીં એક પૂલ બનાવવા માટે જે તે સમયે કેન્દ્ર સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં, કામ કરવામાં આવતું નહોતું. પણ, ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન સેતુનું નિર્માણ કરવાનું મારા ભાગ્યમાં લખ્યું હતું. જે પરમાત્માના આદેશનું પાલન કરી એ દાયિત્વને મે નીભાવ્યું છે. તેમણે સુદર્શન સેતુની વિશેષતાઓની વિસ્તૃત માહિતી આપી હતી. ભૂતકાળના શાસકોને આડેહાથ લેતા વડાપ્રધાને જણાવ્યું કે, તેમણે માત્ર સત્તા બચાવવા માટે જ શાસન કર્યું હતું. દેશનું હિત વિચારવાના બદલે તેમણે માત્ર એક જ પરિવારને આગળ વધારવાનું કામ કર્યું છે. નાગરિકોની સુવિધા વધારવા માટે તેમની નિયત અને નિષ્ઠામાં ખોટ હતી. ભૂતકાળના શાસકો દ્વારા માત્ર ગોટાળા જ કરવામાં આવ્યા હતા. દેશમાં ટેલીકોમની વિકાસ કરવાની વાત હતી ત્યાં ટુ-જી કૌભાંડ, રમતગમતના વિકાસને બદલે કોમન વેલ્થ કૌભાંડ, રક્ષાક્ષેત્રમાં હેલીકોપ્ટર અને સબમરિન કૌભાંડ કરી ભૂતકાળના શાસકો દ્વારા દેશની જરૂરિયાતો સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે.

- Advertisement -

2014 માં જ્યારે શાસનધૂરા સંભાળી ત્યારે વાયદો કર્યો હતો કે હું દેશને લૂંટવા નહીં દઉં, તેમ જણાવતા તેમણે કહ્યું કે, છેલ્લા દસ વર્ષમાં ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી આર્થિક સત્તા બનવા સાથે નવ્ય-ભવ્ય કાર્યો થઇ રહ્યા છે. દેશમાં થઇ રહેલા આઇકોનિક મેગા પ્રોજેક્ટનો સગૌરવ ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, દેશની ચારેય દિશામાં વિકાસ કામો થઇ રહ્યા છે અને તેનો લાભ નાગરિકોને મળી રહ્યો છે.

ગુજરાતના પ્રવાસન ક્ષેત્રોના વિકાસની ભૂમિકા આપતા વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે, દ્વારકા, સોમનાથ, પાવાગઢ, મોઢેરા, અંબાજી જેવા તીર્થ સ્થાનોમાં પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. હેરિટેજ સિટી અમદાવાદ, રાણીની વાવ, ચાંપાનેર, ધોળાવીરાને વર્લ્ડનો દરજ્જો પ્રાપ્ત થયો છે, તો કચ્છના ધોરડોને યુનેસ્કોએ શ્રેષ્ઠ ગ્રામીણ પ્રવાસન સ્થળનો દરજ્જો આપ્યો છે. દ્વારકા નજીક શિવરાજપૂર બિચને પણ બ્લ્યુ ટેગ મળતા વિકાસ કરવામાં આવી રહ્યો છે. રણોત્સવ, નડાબેટ, ગીર અભયારણ્ય, ગિરનાર, એસઓયુ, લોથલ જેવા સ્થળો ભરપૂર વિકસ્યા છે. અમારી સરકાર દ્વારા “વિકાસ ભી, વિરાસત ભી” ના મંત્ર સાથે આસ્થાના કેન્દ્રોનું સંવર્ધન થઇ રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં એક સમયની પાણીની અછતને યાદ કરાવતા નરેન્દ્રભાઈએ સૌની યોજના વિશે કહ્યું કે, આ યોજના થકી મા નર્મદાના જળથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિંચાઇ તથા પીવાનું પાણી પહોંચ્યું છે. તેના કારણે ખેડૂતો, પશુપાલકો, સાગરખેડૂઓ આર્થિક રીતે સંપન્ન થયા છે. સૌરાષ્ટ્રની ધરતી સંકલ્પથી સિદ્ધિની પ્રેરણા આપે છે, તેમ જણાવતા શ્રી મોદીએ એમ પણ ઉમેર્યું કે, સૌરાષ્ટ્ર અને ગુજરાત સમૃદ્ધિના શીખરે પહોંચશે. વિકસિત સૌરાષ્ટ્ર થકી, વિકસિત ગુજરાત અને વિકસિત ભારત બનશે. આ સમયે દ્વારકા તીર્થ સ્થાને યાત્રાળુઓના મનમાં વસી જાય એવું સ્વચ્છ રાખવા માટે સ્થાનિકોને આહ્વાન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, કૃષ્ણભૂમિ દ્વારકાને મળેલી ઓખા – બેટ દ્વારકા સુદર્શન સેતુ આપણી હજારો વર્ષ જૂની વિરાસતને આધુનિક વિકાસ સાથે જોડનારી ભેટ બની રહેશે. વિકાસના નિતનવા કીર્તિમાન સાથે ભારતીય પ્રાચીન વિરાસતોની જાળવણી અને સંવર્ધન કરીને “વિકાસ ભી, વિરાસત ભી” ના મંત્ર સાથે બહુમુખી વિકાસની આગવી પેટર્ન વડાપ્રધાનના નેતૃત્વમાં વિકસી છે.

વડાપ્રધાનના વડપણ હેઠળ દેશમાં શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન યાત્રાધામો અને સાંસ્કૃતિક ધરોહરોના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો યુગ શરૂ થયો છે, તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાથી આપણી સદીઓની પ્રતીક્ષા વડાપ્રધાનફએ પૂર્ણ કરી છે. એટલુ નહીં, મહાકાલધામ, કેદારનાથ, કાશિ વિશ્વનાથ જેવા પવિત્ર યાત્રાધામોના અદ્યતન સુવિધાઓ કારણે યાત્રા વધુ સરળ બની છે.

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથના વિકાસની ભૂમિકા આપતા તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનએ સોમનાથ તીર્થક્ષેત્રને વિશ્વખ્યાતિ અપાવ્યા બાદ હવે દ્વારકાધીશના દર્શનાર્થે આવતા ભાવિક ભક્તજનો બેટ દ્વારકા પણ સરળતાથી દર્શન કરવા જઇ શકે તે સુદર્શન સેતુની મોટી ભેટ આપી છે.

સુદર્શન સેતુથી સ્થાનિકો માટે રોજગારી અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે અને પ્રવાસીઓની સંખ્યા પણ વધશે, એવો વિશ્વાસ પણ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાને અમૃતકાળને વિકાસનો કર્તવ્ય કાળ બનાવવા માટે જનશક્તિને વિકાસ સાથે જોડી યોજનાના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે. 2047 સુધી વિકસિત ભારતના નિર્માણની દિશામાં આપણે પણ વિકસિત ગુજરાત થકી ઉત્તમ યોગદાન આપવા તેમણે દ્રઢ નિશ્ચય વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના આ તબક્કામાં કુલ રૂ. 52 હજાર કરોડના વિકાસ કામોની ભેટ સૌરાષ્ટ્રને મળી છે, આજનો વિકાસ ઉત્સવ નવા સિમાચિહ્ન સ્થાપિત કર્યા છે, તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ સહર્ષ જણાવ્યું હતું. ગુજરાતમાં કનેક્ટિવિટી અંગેની ભૂમિકા આપતા તેમણે કહ્યું કે, પ્રવાસનને વેગ આપવા ગુજરાતમાં નાનામાં નાના ગામને સડક માર્ગથી જોડવા સાથે સ્પીડ અને સ્કિલથી આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વીજળી, પાણી અને આવાસ જેવી પાયાની સુવિધાઓ જનજન સુધી પહોંચાડીને પણ જનજીવન સરળ બનાવ્યું છે.

રામમંદિરમાં પબુભા માણેક પરીવાર દ્વારા 90 કીલો ચાંદી અર્પણ કરાઈ તથા નરેન્દ્રભાઈ મોદીને સોનાનો મુગટ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદ સી.આર. પાટીલ, પૂનમબેન માડમ, રમેશભાઈ ધડુક, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેશાઇ, જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા, ધારાસભ્ય પબુભા માણેક સહિત અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ જાહેર સભામાં ઐતિહાસિક સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular