કોરોના વાયરસના નવા ઓમીક્રોન વેરિયન્ટના પરિણામે સરકાર દ્વારા તમામ જગ્યાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. વિદેશથી પરત ફરતા યાત્રીઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે તંત્રની ચિંતામાં વધારો થયો છે. કારણકે વિદેશથી ભારત પરત ફરેલા 113 લોકો લાપતા છે. જે પૈકી ગુજરાતના મહીસાગર આવેલા 25 યાત્રીઓ પૈકી 4 યાત્રીઓ લાપતા છે. ઉપરાંત મહારાષ્ટ્રમાં આવેલા 295 વિદેશી પ્રવાસીઓ માંથી 109થી વધુ લોકો લાપતા છે.
ગુજરાતના મહીસાગરમાં વિદેશથી 25 યાત્રીઓ પરત ફર્યા હતા. જે પૈકી 4યાત્રીઓનો કોઈ પત્તો નથી. ફોન ન લાગતો હોવાથી કે અડ્રેસમાં ફેરફાર હોવાથી તેઓની જાણકારી મળી રહી ન હોવાથી તંત્ર દ્વારા લુણાવાડા, બાલાસિનોરમાં આ 4 યાત્રીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત મહરાષ્ટ્રમાં તો વિદેશથી 295 યાત્રીઓ આવ્યા હતા. અને 100થી વધુ લોકો લાપતા છે. મહારાષ્ટ્રના કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા વિજય સૂર્યવંશીએ જણાવ્યું હતું કે 109 વિદેશી પ્રવાસીઓ કે જેઓ તાજેતરમાં થાણે આવ્યા હતા તેઓને શોધી શકાયા નથી. તેમણે કહ્યું કે આમાંથી કેટલાક લોકોના મોબાઈલ ફોન સ્વિચ ઓફ છે, જ્યારે કેટલાકના એડ્રેસ ખોટા હોવાનું જાણવા મળ્યું છે.