મધ્યપૂર્વ અને એશિયાના દેશોમાં કોરોનાના નવા કેસોની સંખ્યા વધવાને પગલે દુનિયામાં ગયા અઠવાડિયે કોરોનાના નવા કુલ 40 લાખ કરતાં વધારે કેસો નોંધાયા હોવાનુું વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ તેના અઠવાડિક અહેવાલમાં જણાવ્યું હતું. એક મહિનાથી ચેપનો પ્રસાર વધી રહ્યો છે પણ દુનિયાભરમાં કોરોનાના મરણાંકમાં આઠ ટકાનો ઘટાડો થયો છે. જો કે મધ્યપૂર્વ અને એશિયાના દેશોમાં કોરોના મરણાંકમાં ત્રીજા ભાગનો વધારો નોંધાયો હતો. કોરોનાના સૌથી વધારે કેસો યુએસ, ભારત, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને ઇરાનમાં નોંધાયા હતા. હવે ડેલ્ટા વેરિઅન્ટ દુનિયાના 130 કરતાં વધારે દેશોમાં પ્રસરી ચૂક્યો છે. લગભગ એક મહિના સુધી કોરોનાના કેસોમાં વધારો થયા બાદ યુરોપમાં નવ ટકાનો ઘટાડો થયો છે. બ્રિટન અને સ્પેનમાં નવા કેસોની સંખ્યા ઘટી છે.
દરમ્યાન બ્રાઝિલમાં રસીકરણની ઝડપ વધવાને પગલે પંદર મહિનાથી અમલમાં રહેલા કોરોના નિયંત્રણોને હળવા બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. દરમ્યાન ચીનમાં કોરોનાના નવા કેસોની સંખ્યા વધવાને પગલે એસ શહેરમાં સ્થાનિક નેતાઓને સજા કરવાના આશયથી શહેરને સીલ કરી દેવામાં આવ્યું છે. પૂર્વના શહેર નાનજિંગમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોરોનાના નવા કેસો નોંધાવાને પગલે આખા દેશને હાઇ એલર્ટ પર મુકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઝાંગજિઆજી નામના રમણીય શહેરમાં પણ કોરોનાના નવા કેસો નોંધાયા છે. આ શહેરમાં લોકોને તેમના ઘરોમાં જ બંધ કરી દેવામાં આવ્યા છે. નવા આદેશ અનુસાર પ્રવાસી કે રહેવાસી શહેરની બહાર જઇ શકશે નહીં.
દરમ્યાન ઇંગ્લેન્ડમાં કોરોનાના ત્રીજા મોજાનો અભ્યાસ કરનારા સંશોધકોએ જણાવ્યું છે કે ડેલ્ટા વેરિઅન્ટને લક્ષ્ય બનાવે તેવી રસી વિકસાવવાની જરૂર છે. સંશોધકોએ જણાવ્યું હતું કે સ્પાઇક પ્રોટીનમાં મ્યુટેશન થવાને પગલે વર્તમાન રસીઓ દ્વારા પેદા થતાં એન્ટીબોડીઝ ઓછા અસરકારક બનવા માંડયા હોઇ હવે ડેલ્ટા વેરિઅન્ટને લક્ષ્ય બનાવે તેવી રસી વિકસાવવાનો સમય પાકી ગયો છે.
ખતરાની ઘંટડી : વિશ્વમાં એક સપ્તાહમાં કોરોનાના 40 લાખ કેસ
ડેલ્ટા વેરિઅન્ટ માટે નવી રસી વિકસાવવાની જરૂરિયાત પર ભાર: વિશ્વના 130 થી વધુ દેશોમાં પ્રસરી ગયો ડેલ્ટા વેરિએન્ટ