જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલ ટાઉનહોલના રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અંદાજિત ચાર કરોડના ખર્ચે ટાઉનહોલનું રિનોવેશન કાર્ય કરવામાં આવી રહ્યું છે. છેલ્લાં લાંબા સમયથી ચાલી રહેલ આ રિનોવેશનનું કાર્ય આગામી બે થી અઢી માસમાં પુરૂ થવાની સંભાવના સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહી છે. ટાઉનહોલની કાયાકલ્પ થતા શહેરીજનો માટે આ અદ્યતન ટાઉનહોલ મળી રહેશે.
વર્ષો પુર્વે જામનગરમાં ટાઉનહોલનું નિર્માણ થયું હતું ત્યારે ટાઉનહોલ નાનો હતો ત્યારબાદ અંદાજિત 15 થી 17 વર્ષ પૂર્વે તેનું નવીનિકરણ કરાયું હતું અને આ મોટો ટાઉનહોલ બનાવવામાં આવ્યો હતો. જેથી શહેરીજનો તેમાં નાટકો સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી શકે અને તેમાં યોજાતા કાર્યક્રમોનો લાભ લઇ શકે. ત્યારબાદ સમયાંતરે ટાઉનહોલનું રિનોવેશન કાર્ય થતું રહ્યું છે. અને હાલમાં પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા ટાઉનહોલના રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. લગભગ છેલ્લાં એકાદ વર્ષથી વધુ સમયથી ટાઉનહોલ રિપેરીંગનું કાર્ય ચાલી રહ્યું છે અને આગામી બે થી અઢી માસમાં આ કાર્ય પૂર્ણ થઈ શહેરીજનોને આધુનિક રંગરૂપ સાથે નો ટાઉનહોલ મળશે તેમ પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા જણાવ્યું છે કે જામનગર શહેરના મધ્યમાં આવેલ ટાઉનહોલમાં નાટકો, વિવિધ જ્ઞાતિઓ, સંસ્થાઓના સન્માન સમારંભો, શાળા-કોલેજોના કાર્યક્રમો, સેમિનારો, સહિતના અનેકવિધ કાર્યક્રમો સતત ચાલુ રહે છે. આ ઉપરાંત ઓડીટોરીયમની સાથે સાથે સેલરમાં આવેલ હોલમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે શહેરીજનોને મળતી સુવિધામાં વધારો કરવાના ભાગરૂપે અંદાજિત રૂા.4 કરોડના ખર્ચે જામનગર મહાનગરપાલિકા દ્વારા ટાઉનહોલ રિનોવેશનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
ટાઉનહોલ અપગે્રડેશન, અલ્ટરેશન અને રિનોવેશનના કામમાં કલરકામ, નવા પેવીંગ બ્લોક લગાડવાનું કામ, ટોઇલેટ બ્લોક રિનોવેશન, ઓડીટોરીયમની તમામ ખુરશી નવી લગાડવાનું કામ, ટાઉનહોલ ઓડીટોરીયમમાં અવાજના પડઘા ન પડે તે માટે આખા ઓડીટોરીયમની એકોસ્ટીક વર્ક, ઓડીટોરીયમનું ઈન્ટીરીયર વર્ક, મુખ્ય સ્ટેજનું કામ, ફલોરીંગ બદલવાનું કામ, આધુનિક લાઈટો, ઇલેકટ્રીક કામ, ડેકોરેટીવ લાઈટીંગ સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે. અંદાજિત 4 કરોડના ખર્ચે ટાઉનહોલને આધુનિક રૂપ આપવામાં આવી રહ્યું છે. તેમજ ટાઉનહોલની કેપેસિટી 800 સુધીની થઈ છે. જામનગર શહેરની મધ્યમાં ટાઉનહોલ મધ્યમાં આવેલ હોય. તેમાં સંગીત, નાટક, સાંસ્કૃતિક તેમજ સામાજિક કાર્યક્રમો મોટા પ્રમાણમાં યોજાતા હોય છે. ત્યારે ટાઉનહોલનો રિનોવેશન થતા લોકોને હવે સુવિધાથી સજ્જ ટાઉનહોલ મળશે અને સિટીની મધ્યમાં આવેલા ટાઉનહોલ રીનોવેશન થતા તેમાં યોજાતા કાર્યક્રમોના બુકિંગમાં પણ વધારો થશે તેમ તંત્ર અપેક્ષા રાખી રહ્યું છે.
એકાદ વર્ષથી સમારકામ ચાલી રહ્યું હોય, વિવિધ કાર્યક્રમો માટે શહેરીજનો તેમજ સામાજિક સંસ્થાઓને વિકલ્પો ગોતવા પડયા હતાં ત્યારે બે થી અઢી માસમાં આ રીપેરીંગ કાર્ય પૂર્ણ થવા પર હોય. ફરી એક વખત શહેરીજનો અહીં સંગીત કાર્યક્રમો, નાટકો, સાંસ્કૃતિ કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમોનો લાભ લઇ શકશે.
સુચિત બારડ – ખબર ગુજરાત