ગત તા.19 જાન્યુઆરીના રોજ મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, જામનગર દ્વારા જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30થી વધારે ખાનગીક્ષેત્રની કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહયા હતા. આ જોબફેરમાં 630થી વધારે રોજગારવાંચ્છું ઉમેદવારોએ ઈન્ટરવ્યુ આપ્યા હતા. જેમાંથી 397 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મદદનીશ નિયામક (રોજગાર) સરોજબેન સાંડપા દ્વારા પધારેલ મહેમાનોનું પુસ્તક વડે સ્વાગત કરાયું હતું, અને સમગ્ર કાર્યક્રમ વિષે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી હતી. અધ્યક્ષ અને કલેકટર ડો.સૌરભ પારઘીએ ઉપસ્થિત નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છું ઉમેદવારોને સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ અને જોબફેર વિષે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું, અને મેગા જોબફેરનું ઉદ્ઘાટન કર્યું હતું. જામનગર આઈ.પી.ઓ. દર્શિત ભટ્ટે ઉપસ્થિત તમામ ઉમેદવારોને સ્વરોજગારી અંગે લોન અને જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર વિષે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ મેગા જોબફેરમાં આઈ.ટી.આઈ. ગુલાબનગર આચાર્ય વી.કે. ગાગિયા, ગર્વમેન્ટ પોલિટેકનીક આચાર્ય બલદાણીયાભાઈ, સિનિયર પ્રોફેસર ડો. નીલેશ ધાણી, ટ્રેઈનીંગ કમ પ્લેસમેન્ટ ઓફિસર ઓઝાભાઈ, ગવર્નમેન્ટ કોમર્સ કોલેજ આચાર્ય ડો. ઘેલાણીભાઈ તથા ડો. સોનલ જોશી ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની આભારવિધિ આઈ.ટી.આઈ. જામનગરના આચાર્ય જે.એસ. વસોયાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન અને આયોજન બદલ રોજગાર કચેરીના સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવમાં આવી હતી, તેમ મદદનીશ નિયામક (રોજગાર), જામનગરની યાદીમાં જણાવવામાં આવે છે.