વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા.13 નવેમ્બર, 2024ના રોજ એટલે કે આજે 192 મતદાન મથક કેન્દ્રો પર મતદાન શરૂ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદારો મત આપવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 9:00 વાગ્યા સુધીમાં સરેરાશ 14.25 ટકા મતદાન થયું હતું, જ્યારે સાડા ત્રણ કલાકમાં સરેરાશ 22% મતદાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વહેલી સવારે સાત વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી 6 કલાકમાં 24.39% વોટિંગ થયું છે. તો બીજી તરફ વાવના ભાખરી ગામે ઇવીએમ ખોરવાતાં મતદારો રાહ જોઇને બેઠા છે. વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા 21 ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ દસ ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3.10 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
આ ચૂંટણીમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના બળવાખોર ઉમેદવાર માવજી પટેલે ઝંપલાવ્યુ છે. તીવ્ર રસાકસી ભરી આ ચૂંટણીમાં ઠાકોર, ચૌધરી, ક્ષત્રિય અને દલિત સમાજના મતદારો નિર્ણાયક સાબિત થશે. ભાજપના પ્રદેશ નેતાઓ અને આખી સરકારે પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવી છે. આ મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 07.00 થી સાંજના 06.00 કલાક સુધી મતદાન યોજાશે. જેના માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.