જામનગરમાં કોવિડ સ્થિતિ અંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં હાલારની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂગોવિંદસિંઘ હોસ્પિટલમાં 370 બેડ નવા વધારવામાં આવશે અને આ બેડ સોમવારે કાર્યરત થઇ જશે. તેમજ જામનગર જિલ્લામાં વડાપ્રધાનની અપીલ બાદ વેક્સિનેશનમાં મોટો ઘટાડો આવ્યો છે. જે મામલે મુખ્યમંત્રીએ વેક્સિનેશનનો જથ્થો પર્યાપ્ત પહોંચાડવાની ખાતરી આપી હતી.
જામનગરમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રેમડેસિવિરનો જથ્થો સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે અને ગુજરાતમાં એક પણ દર્દી રેમડેસિવિર વગર નહીં રહે તેમજ રાજયમાં એમ્બ્યુલન્સની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે ઉપરાંત જામનગરની ગુરૂગોવિંદસિંઘ હોસ્પિટલમાં વધુ 370 બેડ સોમવાર સુધીમાં તૈયાર થઇ જશે તેમજ ઓકિસજનની સગવડ પૂરતી મળી રહે અને દર્દીઓને જમવાની વ્યવસ્થા માટે અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તે અભિનંદનને પાત્ર છે. ઉપરાંત જામનગરમાં વધુ 60 વેન્ટિલેટર મોકલ્યા છે અને આગામી સમયમાં વધુ 60 વેન્ટિલેટરો મોકલવામાં આવશે તેમજ ખંભાળિયાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પણ બેડની સાથે અન્ય સુવિધાઓ પણ વધારવાની સૂચના આપવામાં આવી છે તેમજ આયુર્વેદ ઉકાળાનું વધુ વિતરણ થાય તે દિશામાં પણ કામગીરી કરાશે.
ઉપરાંત કુંભ મેળામાં ગયેલા લોકો પરત આવશે ત્યારે તેમને આઇસોલેટ કરી આરટીપીસીઆર ટેસ્ટ પછી પ્રવેશ દેવામાં આવશે અને દદ્વારકા જિલ્લા આરટીપીસીઆર લેબ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ખાસ પ્રજાને અપીલ કરીને જણાવ્યું હતું કે, લોકો બિનજરૂરી ઘરની બહાર ન નિકળે, ખાસ કરીને વૃધ્ધ તથા બાળકો ઘરની બહાર ન નિકળે તેમજ જિલ્લામાં વધુને વધુ લોકો વેક્સિન લ્યે તે માટે અપીલ કરી હતી તથા ક્ધટેન્મેન્ટ ઝોન વધારવાની સૂચના આપી હતી. ‘ખબર ગુજરાત’ દ્વારા પૂછાયેલા જામનગર શહેર અને જિલ્લાામાં વેકિસનેશનના ઘટાડા મામલે પૂછાયેલા પ્રશ્ર્નમાં મુખ્યમંત્રીએ દેશમાં 9 કરોડ વેકિસન બને છે અને હાલમાં રાજયમાંથી દરેક જિલ્લાઓમાં વેકિસન જતી હોય અને જામનગરમાં જરૂરી વેકિસન મોકલવા માટે પ્રયાસ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી અને તંત્રને ખાસ તાકિદ કરી વેકિસનેશન વધારવા માટે આદેશ આપ્યા હતા.
શહેર અને જિલ્લામાં દરરોજના 300 થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ છે. જ્યારે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે પરંતુ, માત્ર કોવિડથી થતા મોત જ સરકારે ચોપડે નોંધાઈ છે અને જિલ્લામાં થયેલા અન્ય મોત કોવિડની સાથે સાથે અન્ય બીમારીથી થતા હોય જે સરકારી ચોપડે નોંધાતા નથી.
શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે કલેકટર રવિ શંકર, મ્યુ. કમિશનર સતિષ પટેલ અને જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનના નેજા હેઠળ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા તેમજ માસ્ક ફરજિયાત પહેરવા વારંવાર અપીલ કરવામાં આવે છે અને હાલની ગંભીર પરિસ્થિતિમાં લોકોએ જાતે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવા આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. કોવિડ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીની સાથે કૃષિમંત્રી આર.સી.ફળદુ, મેયર બિનાબેન કોઠારી, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, ભાજપા જિલ્લા અધ્યક્ષ રમેશ મુંગરા, ભાજપા શહેર અધ્યક્ષ ડો. વિમલ કગથરા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતી રવિ, રેંજ આઈજી તથા ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલના અધિક્ષક અને તબીબો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં જામનગર શહેર અને જિલ્લાના કોરોના કેસ, ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને હોસ્પિટલોમાં બેડની સંખ્યા, ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર, રેમેડેસિવિર ઈન્જેકશન તથા કોવિડના દર્દીઓ માટે સારવારની સુવિધા તેમજ આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો અંગેની ચર્ચા થઈ છે અને આ ચર્ચા દરમિયાન કોરોના નિયંત્રણ લેવા માટે જરૂરી સૂચનો અને વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે માર્ગદર્શન અને ઘટતી સગવડો પૂરી પાડવાની ચર્ચા વિચારણા કરી હતી.