જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ અનેકગણી ઝડપે ફેલાઈ રહ્યું છે તેમજ વિશ્ર્વમાં ત્રીજી લહેરમાં દરરોજના લાખો કેસ પોઝિટિવ નોંધાય છે. છેલ્લાં એક સપ્તાહથી સંક્રમણ સતત વકરતું જાય છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર અને દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 37 સુધી પહોંચી ગઈ છે. તેમજ હાલારમાં માત્ર એક દર્દી સાજો થયો હતો.
વિશ્ર્વવ્યાપી વકરેલી કોરોના મહામારીની પ્રથમ અને બીજી લહેર ઘાતક બની હતી અને આ બન્ને લહેરોમાં ઝપટે ચડેલા લાખો લોકોના મોત નિપજ્યા હતાં. મહામારીને કારણે વિશ્ર્વની આર્થિક વ્યવસ્થા ખોરવાઈ ગઇ હતી. આ મહામારીમાં ભારતમાં પણ તેનો કહેર ફેલાવ્યો હતો. જેના કારણે દેશની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઇ હતી અને દેશના અસંખ્ય વેપારીઓને તથા શ્રમિકોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડયું હતું. ત્યારબાદ કોરોનાની ત્રીજી લહેરનું આગમન થઈ ગયું છે. જેમાં કોરોનામાં ઓમિક્રોનના નવા વેરિએન્ટની એન્ટ્રી થઈ હતી. ત્યારબાદથી કોરોના સંક્રમણ સમગ્ર વિશ્ર્વમાં સતત વકરતું જાય છે. ભારતમાં પણ કોરોનાની ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં અનેકગણો ઉછાળો જોવા મળે છે. ગુજરાતમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. જેથી રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કફર્યૂનો સમય પણ તકેદારીના ભાગરૂપે વધારી દેવામાં આવ્યો છે. જ્યારે જામનગર અને દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ ગયો છે.
છેલ્લાંં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં વધુ 19 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે ત્રણ દર્દીઓ સાજા થયા હતાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવનો આંકડો એક જ હતો. તેની સામે દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવના આંકડામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જેમાં દ્વારકામાં 15 અને ભાણવડમાં બે પોઝિટિવ કેસ નોંધાયા હતાં. આમ, હાલારમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 37 પોઝિટિવ કેસ નોંધાયા હતાં અને એક દર્દી સાજો થયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બુધવારે કરવામાં આવેલા ખંભાળિયા તાલુકાના 330, કલ્યાણપુર તાલુકાનાં 306, ભાણવડ તાલુકાના 299 અને દ્વારકા તાલુકાના 192 મળી કુલ 1,127 કોરોના ટેસ્ટમાં દ્વારકામાં નોંધપાત્ર અને ચિંતાજનક એવા 15 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભાણવડ તાલુકામાં પણ વધુ બે નવા દર્દીઓનો ઉમેરો થયો છે. ખંભાળિયા અને કલ્યાણપુરમાં એકપણ નવો દર્દી નોંધાયો નથી. આમ, 24 કલાકમાં 17 નવા કેસ નોંધાતા હવે દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ કોરોના કેસના ડબલીંગ રેશિયોમાં સામેલ થયો છે. રવિવારે પાંચ, સોમવારે એક તથા મંગળવારે ચાર બાદ એક સાથે 17 કેસ નોંધાતા જિલ્લાના લોકોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.