Sunday, January 5, 2025
Homeરાજ્યજામનગરશહેરના વાહન ચાલકોને નડશે વધુ 37 સ્પિડ બ્રેકર

શહેરના વાહન ચાલકોને નડશે વધુ 37 સ્પિડ બ્રેકર

જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં 37 જગ્યાએ નવા સ્પિડ બ્રેકર બનાવવા કરાયો નિર્ણય : ભૂજિયા કોઠા પાસેના 7 દુકાનદારોને મળશે વૈકલ્પિક જગ્યા : નવા સભાગૃહના નિર્માણ માટે રૂા. 8.56 કરોડનું ખર્ચ મંજૂર : સોલિડ વેસ્ટ શાખાના કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવાની ના

- Advertisement -

- Advertisement -

ઉબડ-ખાબડ રસ્તાઓથી હાલાકી ભોગવી રહેલા જામનગર શહેરના વાહન ચાલકોને હવે શહેરમાં નવા 37 સ્પિડબ્રેકરનો સામનો કરવો પડશે. જામ્યુકોની સ્થાયી સમિતિએ શહેરમાં જુદી જુદી 37 જગ્યાએ ટ્રાફિક શાખાના અભિપ્રાય મુજબ સ્પિડ બે્રકર બનાવવાને મંજુરી આપી છે.

ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવેલા ઉપરોક્ત નિર્ણય ઉપરાંત શહેરમાં ભુજીયા કોઠાના કામમાં નડતરરૂપ સાત દુકાનધારકોને વૈકલ્પિક જગ્યા આપવાનું પણ મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે મહાપાલિકાના પરિસરમાં નવુ સભાગૃહ બનાવવા માટે રૂા. 8.56 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે.

- Advertisement -

આજની બેઠકમાં મહાપાલિકાની સોલિડ વેસ્ટ શાખાના કર્મચારીઓની બાયોમેટ્રીક હાજરી પુરવા માટેની સિસ્ટમ મુકવાની કમિશનરની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. જ્યારે જીઆઇડીસી ફેઇસ-2 અને 3ના 296 હેકટર ઔદ્યોગિક તેમજ રહેણાંક વિસ્તારને મહાપાલિકામાં સમાવવા અંગે એમઓયુ કરવાનો નિર્ણય હાલ તૂર્ત પેન્ડીંગ રાખવામાં આવ્યો હતો.

હાપા માર્કેટિંગ યાર્ડ રોડ અન્નપૂર્ણા ચોકડી પાસેના રિવર બ્રિજથી લાલવાડી સ્કૂલ થઇને રાજકોટ રોડ સુધીના રસ્તાને ચાર માર્ગીય બનાવી તેને આસ્ફાલ્ટ કારપેટથી મઢવા માટે રૂા. 89 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી છે. ગુલાબનગરમાં દયાનંદ સોસાયટીમાં આવેલા જુના જર્જરીત કોમ્યુનિટી હોલને ડિમોલિશ કરી તેની જગ્યાએ નવો કોમ્યુનિટી હોલ બનાવવા 54.91 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

- Advertisement -

આમ મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં જુદા જુદા કુલ રૂા. 13.51 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. આજની બેઠકમાં મેયર બિનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, કમિશનર વિજય ખરાડી, ઇન્ચાર્જ ડે. કમિશનર ભાવેશ જાની, ઇન્ચાર્જ આસી. કમિશનર કોમલબેન પટેલ તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular