જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હાપા માર્કેટીંગ યાર્ડમાં બાર કલાકમાં 36000 ગુણી મગફળી ઠલવાઇ હતી. હરાજીમાં 20 કિલો મગફળીનો ભાવ રૂા. 1000થી 1300 બોલાયો હતો. મગફળીની સિઝન શરુ થઇ ત્યારથી હાપા માર્કેટ યાર્ડમાં તેજીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
હાપા માર્કેટ યાર્ડમાં ગઇકાલે રાત્રે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધી મગફળીની આવક ખોલવામાં આવી હતી. જેમાં 12 કલાકમાં જ 36000 ગુણી મગફળી ઠલવાઇ હતી. 400 વાહનો મારફતે ખેડૂતો યાર્ડમાં મગફળી લઇને પહોંચતા યાર્ડની બહાર વાહનોની લાંબી લાઇનો લાગી હતી. મગફળીની હરાજીમાં 20 કિલો મગફળીનો ભાવ રૂા. 1000થી 1300 બોલાયો હતો. મગફળીની વિપુલ આવકના કારણે આજે સવારે 8 વાગ્યા બાદ મગફળીની આવક બંધ કરવામાં આવી હતી. મગફળીની સિઝન શરુ થઇ ત્યારથી યાર્ડમાં તેજીનો ધમધમાટ જોવા મળ્યો છે. ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી લઇને યાર્ડ ખાતે પહોંચી રહ્યાં છે અને ખેડૂતોને પુરતા પ્રમાણમાં ભાવો પણ મળી રહ્યા હોય, વિશાળ સંખ્યામાં મગફળીની ગુણીઓ યાર્ડમાં ઠલવાઇ રહી છે.