મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનાને પગલે રાહત અને બચાવ કાર્યમાં જામનગર જિલ્લાની 32 ટુકડીઓ પણ જોડાઇ છે. દુર્ઘટના ઘટયાના કલાકોમાં જ જામનગરથી જુદા જુદા વિભાગોની 32 ટુકડીઓ સજ્જ થઇને બચાવ કાર્ય માટે મોરબી જવા માટે રવાના થઇ ગઇ હતી. રાતોરાત મોરબી પહોંચેલી જિલ્લાની ટુકડીઓએ રાત્રીથી જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધયુર્ં હતું.
જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકલવામાં આવેલી 32 ટુકડીઓમાં આર્મીના 40 જવાનોની ટીમ, એરફોર્સના 27 જવાનોની ટીમ, નૌસેના વાલસુરા મથકના 50 જવાનો, મેડિકલ ટીમના 57 સભ્યો સાથેની 19 ટીમ તેમજ જામનગર મહાપાલિકાના 15 કર્મચારીઓ સાથેની ત્રણ ટીમ તથા રિલાયન્સ, નયારા, આઇઓસી સહિતની કંપનીઓના તજજ્ઞોની ટુકડીઓનો સમાવેશ થાય છે. આ તમામ ટુકડીઓ સાધન સરંજામ સાથે રાત્રે મોરબી પહોંચી ગઇ હતી. રાહત અને બચાવ કામગીરી આરંભી હતી. આ ઉપરાંત એનડીઆરએફની ત્રણ પ્લાટુન, ફાયર બ્રિગેડની સાત ટુકડીઓ પણ રવાના થઇ હતી. મોરબીની ગંભીર દુર્ઘટનામાં બચાવ કામગીરી માટે પલભરનો પણ વિલંબ કર્યા વગર હરકતમાં આવેલા જામનગર જિલ્લા વહીવટી તંત્રએ તાબડતોબ રેસ્કયૂ ટુકડીઓ રવાના કરી હતી.