જામનગર શહેરના દિ.પ્લોટ 54 માં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા યુવાન પાસે બે હજારના છૂટા માંગવા આવેલા 25 વર્ષના બાઇકસવારે યુવાનના હાથમાંથી 30 હજારની રોકડ ઝુંટવી લઇ નાશી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી શખ્સની શોધખોળ માટે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિ.પ્લોટ 54 માં આવેલા વિશ્રામવાડી વિસ્તારમાં રહેતાં કિશોરભાઈ નાનજીભાઈ ભદ્રા નામના યુવાન શાકભાજીનો વ્યવસાય કરતાં હતાં અને તે દરમિયાન સોમવારે સાંજના સમયે તેમની જીજે-10-ટીડબલ્યુ-2931 નંબરની ઈલેકટ્રીક રીક્ષામાં શાકભાજી વેચવા માટે સત્યમ કોલોની યોગેશ્ર્વર મેડીકલ પાસે શેરી નં.2 માં ઉભા હતાં ત્યારે જીજે-10-ડીએફ-3120 નંબરના મેજીસ્ટ્રો ટુ વ્હીલર પર આવેલા એડીડાસ લખેલું સફેદ ટી શર્ટ અને સફેદ પેન્ટ પહેરેલા 20 થી 25 વર્ષના શખ્સે કિશોર પાસે આવીને રૂા.2000ના છૂટા માંગ્યા હતાં. જેથી કિશોરે તેના ખીસ્સામાંથી છૂટા આપવા માટે રૂા.30 હજારની રોકડ બહાર કાઢી હતી અને શખ્સને છૂટા રૂપિયા આપે તે પહેલાં જ શખ્સે યુવાનના હાથમાં રહેલી 30 હજારની રોકડની લૂંટ ચલાવી પલકવારમાં નાશી ગયો હતો.
ત્યારબાદ શાકભાજી વેચતા યુવાને બુમાબુમ કરી હતી પરંતુ બાઈક પર રોકડ લઇને નાશી જવામાં શખ્સ સફળ રહ્યો હતો. આ અંગેની જાણ કરાતા પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે વાહન નંબરના આધારે અજાણ્યા લૂંટારુ શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.