શનિ-રવિ દરમિયાન હાલાર પંથકમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા હતાં. જ્યારે બે દિવસ દરમિયાન 21 દર્દીઓ સાજા થયા હતાં. તહેવારો નજીક આવી રહ્યા હોય, કોરોના કેસમાં વધારાના કારણે તંત્ર દ્વારા તાકિદના પગલાં લેવામાં આવી રહ્યાં છે.
છેલ્લા 48 કલાક દરમિયાન જામનગરમાં 19 કેસ નોંધાયા છે. જેમાં શનિવારે જામનગર શહેરમાં 10 કેસ નોંધાયા હતાં. જ્યારે ગ્રામ્યમાં એકપણ કેસ નોંધાયો ન હતો. જ્યારે ગઇકાલે રવિવારે જામનગર શહેરમાં 8 કેસ તથા જામનગર ગ્રામ્યમાં એક કેસ નોંધાયો હતો. શનિવારે જામનગર શહેરમાં 438 સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જ્યારે ગઇકાલે રવિવારે જામનગર મહાનગરપાલિકા દ્વારા 332 સેમ્પલ ચકાસણી માટે લેવાયા હતાં. ગઇકાલે રવિવારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં 89 એન્ટીજન્ટ ટેસ્ટ તથા 633 આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. શનિવારે તથા રવિવારે જામનગર શહેરમાં 9-9 દર્દીઓ સાજા થયા હતાં.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે ભાણવડ તાલુકામાં બે નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અન્ય ત્રણ તાલુકાઓમાં એક પણ નવો કેસ નોંધાયો નથી. આ વચ્ચે ખંભાળિયાના એક દર્દીને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે શનિવારે ભાણવડ તાલુકામાં ત્રણ, દ્વારકા તાલુકામાં પાંચ અને ખંભાળિયામાં એક નવો પોઝિટિવ કેસ નોંધાયો છે. આ વચ્ચે ખંભાળિયા અને દ્વારકાના એક-એક દર્દીને સ્વસ્થ જાહેર કરાયા છે. આમ, છેલ્લા 48 કલાક દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા કુલ 574 કોવિડ ટેસ્ટમાં 11 નવા દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે ત્રણ દર્દીઓ સ્વસ્થ થયા છે.