છત્તીસગઢના બીજાપુરમાં શનિવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ ઘટનામાં 5 જવાન શહીદ થયા છે. આશરે 3 કલાકથી વધારે સમય સુધી ચાલેલી અથડામણમાં કોબરાના 1, બસ્તરિયા બટાલિયનના 2 અને DRGના 2 જવાન શહીદ થયા છે. 3 નક્સલિયો પણ ઠાર કરવામાં આવ્યા છે, જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે. આ અથડામણમાં 12 જવાન ઈજાગ્રસ્ત થયા છે. SP કમલ લોચન કશ્યપે આ ઘટનાની પૃષ્ટિ કરી છે.
આ ઘટના ઝીરમ હુમલાના માસ્ટરમાઈન્ડ હિડમાના ગામમાં થઈ છે. હુમલો કરનારા નક્સલવાદીઓ આ ટીમના સભ્યો હતા. ઘણા સમયથી આ ગામમાં નક્સલવાદીઓનો જમાવડો થયેલો હતો. આ અંગે માહિતી મળતા જવાનો ત્યાં પહોંચ્યા હતા.
છત્તીસગઢમાં છેલ્લા 10 દિવસમાં બીજી વખત નક્સલવાદીઓ તરફથી હુમલો થયો છે. આ અગાઉ 23 માર્ચના રોજ હુમલામાં પણ 5 જવાન શહીદ થયા હતા. આ હુમલો નક્સલવાદીઓના નારાયણપુરમાં IED બ્લાસ્ટ કરી કરવામાં આવ્યો હતો.
તર્રમ પોલીસ સ્ટેશનથી CRPF, DRG, જિલ્લા પોલીસ દળ અને કોબરા બટાલિયનના જવાનો સંયુક્ત રીતે તપાસ કરવા નીકળ્યા હતા. આ સમયે સિલગેરના જંગલમાં નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. આ સંજોગોમાં જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. જવાનોને રેસ્ક્યુ કરવા માટે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે.
બીજી બાજુ, ગંગાલૂર વિસ્તારના ચેરપાલ પાસે મોદીપારામાં CRPF 85 બટાલિયનના જવાનોએ 8 કિલો IED વિસ્ફોટક જપ્ત કર્યાં છે. નક્સલવાદીઓએ તેને જવાનોને નિશાન બનાવવા માટે પ્લાન્ટ કર્યો હતો. આ માટે જવાનોને નિશાન બનાવવાની યોજના ઘડવામાં આવી હતી. બાદમાં અનેક વિસ્ફોટકોનો નાશ કરવામાં આવ્યો છે.
10 દિવસ અગાઉ 23 માર્ચના રોજ નક્સલવાદીઓએ નારાયણપુર જિલ્લામાં DRG જવાનોથી ભરેલી બસમાં બ્લાસ્ટ કર્યો હતો. આ ઘટનામાં 5 જવાન શહીદ થયા હતા, જ્યારે 12 ઈજાગ્રસ્ત થયા હતા. બ્લાક સમયે બસમાં 24 જવાન હતા.