આવકવેરા રીટર્ન ભરવાની અંતિમ તારીખ 31મી જુલાઈ છે અને તેની મુદતમાં કોઇ વધારો કરવાનું નકારી કાઢવામાં આવ્યું છે. રીટર્ન ભરવાના છેલ્લા દિવસોમાં દર કલાકે 3 લાખ રીટર્ન ફાઈલ થતા હોવાનું અને અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ કરદાતાઓએ આવકવેરા રીટર્ન ફાઈલ કરી દીધા હોવાનું જાહેર થયું છે.
કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડના સુત્રોએ કહ્યું કે રીટર્ન ભરવાની મુદત વધારવા સોશિયલ મીડિયામાં ઝુંબેશ શરુ થઇ છે પરંતુ હાલ તૂર્ત આવી કોઇ વિચારણા નથી. ચાર કરોડ રીટર્ન ફાઈલ થઇ ચૂક્યા છે. 2021માં મુદત વધારીને 31 ડીસેમ્બર કરવામાં આવી હતી જેની સરખામણીમાં 68 ટકા રીટર્ન ભરાઈ ગયા છે. અંતિમ દિવસોમાં ઝડપ વધી છે.
ક્યારેક કોઇ ખામી ઉભી થઇ જાય છે. ખાસ કરીને ટીડીએસને લગતા ફોર્મ 26-એએસ ભરવામાં તકલીફ હોવાનું બહાર આવ્યું હતું પરંતુ તાત્કાલિક તેનું નિરાકરણ કરી દેવામાં આવ્યું હતું. અંતિમ દિવસોમાં કોઇ ખામી ઉભી ન થાય તે માટે વોરરુમ કાર્યરત છે. એટલું જ નહીં અનેક કિસ્સામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફત જ ફરિયાદોનો ઉકેલ લાવી દેવામાં આવે છે.
કરવેરા બોર્ડ દ્વારા કરદાતાઓને એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ તથા ટેક્સપેયર ઇન્ફોર્મેશન સમરી ડાઉનલોડ કરવા પણ સલાહ આપવામાં આવી છે. એટલે રીટર્ન ફાઈલ કરવામાં કોઇ માહિતી ચૂકાઈ ન જાય.