Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ 251 ફોર્મ માન્ય

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ 251 ફોર્મ માન્ય

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા. 21 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. ત્યારે આ સામાન્ય ચૂંટણી માટે ગઇકાલે ઉમેદવારોના ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે કુલ 343 ઉમેદવારો દ્વારા 427 ફોર્મ રજૂ થયા હતાં. જેમાંથી ગઇકાલે ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે 343માંથી 251 ઉમેદવારો માન્ય રહ્યાં છે. 16 વોર્ડની 64 બેઠક માટે 343 ફોર્મ ભરાયા હતાં. તેમાંથી 176 ફોર્મ અમાન્ય રહ્યાં હતાં. વોર્ડ નં. 9માં કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં મેન્ડેડમાં છબરડો હોય, ઉમેદવારનું ફોર્મ રદ્ કરાયું હતું. જ્યારે કોંગ્રેસના વોર્ડ નં. 9ના એક ઉમેદવાર સમય મર્યાદા ચૂકી જતાં ફોર્મ ભરી શકયા ન હતાં. આમ કોંગ્રેસ 62 બેઠકો પર જ લડી શકશે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. સામાન્ય ચૂંટણીના ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. ગઇકાલે ફોર્મની ચકાસણી થયા ગયા બાદ આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આજે ફોર્મ પરત ખેંચાયા બાદ કેટલા ઉમેદવારો બાકી રહ્યાં તેનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 16 વોર્ડની 64 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો તેમજ અપક્ષ મળી કુલ 343 ઉમેદવારોએ 427 ભર્યા હતાં. ગઇકાલે સોમવારે ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 427 ફોર્મ પૈકી 176 ફોર્મ અમાન્ય રહ્યાં હતાં. જ્યારે 251 ફોર્મ ચૂંટણી અધિકારીઓ દ્વારા માન્ય રાખવામાં આવ્યા છે.

ગઇકાલે યોજાયેલી ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના વોર્ડ નં. 9ના ઉમેદવાર દેવેનભાઇ શાહના મેન્ડેટમાં અન્ય નામ હોય, તેમનું ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા રદ્ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ જ વોર્ડમાં કોંગીના મહિલા ઉમેદવાર ફોર્મ ભરવાના નિયત સમય ચૂકી જતાં તેમનું ફોર્મ સ્વીકારાયું ન હતું. જેથી વોર્ડ નં. 9માં કોંગ્રેસના બે જ ઉમેદવારો ચૂંટણી લડી શકશે. એક ઉમેદવાર ફોર્મ ભરી શકયા ન હતાં. જ્યારે અન્ય એક ઉમેદવારનું ફોર્મ રદ્ થતાં આ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી માટે માર્ગ મોકળો થયો છે.જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ગઇકાલે ફોર્મ ચકાસણી થયા બાદ હાલ ભાજપના 64 ઉમેદવારો, કોંગ્રેસના 62 ઉમેદવારો, બહુજન સમાજ પાર્ટીના 23 ઉમેદવારો, એનસીપીના 12 ઉમેદવારો, સમાજ વાદી પાર્ટીના 2 ઉમેદવાર, આમ આદમી પાર્ટીના 56 ઉમેદવાર તથા 29 અપક્ષ ઉમેદવારો મળી કુલ 251 ઉમેદવારો 64 બેઠક માટે હરિફાઇમાં રહ્યાં છે. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય પક્ષો અપક્ષ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.

- Advertisement -

ગઇકાલે થયેલી ફોર્મ ચકાસણી બાદ જામ્યુકોની ચૂંટણીમાં વોર્ડ નં. 1માં 21 ઉમેદવારો, વોર્ડ નં. 2માં 16 ઉમેદવારો, વોર્ડ નં. 3માં 10 ઉમેદવારો, વોર્ડ નં. 4માં 17 ઉમેદવારો, વોર્ડ નં. 5માં 14 ઉમેદવારો, વોર્ડ નં. 6માં 20 ઉમેદવારો, વોર્ડ નં. 7માં 17 ઉમેદવારો, વોર્ડ નં. 8માં 18 ઉમેદવારો, વોર્ડ નં. 9માં 13 ઉમેદવારો, વોર્ડ નં. 10માં 17 ઉમેદવારો, વોર્ડ નં. 11માં 17 ઉમેદવારો, વોર્ડ નં. 12માં 13 ઉમેદવારો, વોર્ડ નં. 13માં 12 ઉમેદવારો, વોર્ડ નં. 14માં 15 ઉમેદવારો, વોર્ડ નં. 15માં 18 ઉમેદવારો, વોર્ડ નં. 16માં 13 ઉમેદવારોના ફોર્મ મળી કુલ 251 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચાયા બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular