નેશનલ મેડિકલ કાઉન્સિલની માર્ગદર્શિકા અનુસાર કોમ્યુનિટી મેડીસીન ડિપાર્ટમેન્ટ, એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગર દ્વારા લાખાબાવળ ગામમાં ફેમિલી એડોપ્શન પ્રોગ્રામનું અમલીકરણ કરવામાં આવ્યું છે.આ પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ વર્ષ એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થી દીઠ પાંચ પરિવારોને દત્તક લઇ તેઓને આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થવા અંગેની એક અનેરી પહેલ કરવામાં આવી છે. માર્ગદર્શિકા અનુસાર દરેક તબીબી વિદ્યાર્થી પોતાના સમગ્ર તબીબી અભ્યાસક્રમ દરમિયાન એટલે કે લગભગ પાંચ વર્ષ સુધી દત્તક લીધેલા પરિવારોની વારંવાર મુલાકાત લેશે અને વિવિધ પ્રકારની તબીબી સેવાઓ જેવી કે, પાણીજન્ય રોગો અને ખોરાક જન્ય રોગોથી કેવી રીતે બચવું, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીઓથી બચાવ વગેરેનું આરોગ્ય શિક્ષણ પૂરું પાડવું, વ્યક્તિગત, પરિવાર અને પર્યાવરણની સ્વચ્છતા કેવી રીતે જાળવવી, તાવ, શરદી, ઉધરસ, ઝાડા જેવી સામાન્ય બીમારીઓનો ઉપચાર કરવો.
વિવિધ સરકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવા, બાળકના રસીકરણ વિશે માહિતી આપવી, સંસ્થાકીય સુવાવડ માટે સગર્ભા માતાઓને પ્રોત્સાહિત કરવા, ઘરના પુખ્ત વયના સભ્યોનું બ્લડપ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી બીમારીઓ માટેનું સ્ક્રિનિંગ કરવું અને જો ઘરમાં કોઈ ગંભીર બીમારીવાળું વ્યક્તિ જણાય તો તેને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રિફર કરવા વગેરે જેવી સેવાઓ પૂરી પાડશે. આમ, એમ.પી શાહ સરકારી મેડિકલ કોલેજ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ ગ્રામીણ વિસ્તારોના ઘર ઘર સુધી પહોચાડવાનું વિશેષ આયોજન હાથ ધરી એક નવતર પહેલ આરંભી છે.