Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોના ચૂંટણી જંગમાં 64 બેઠકમાં 236 ઉમેદવારો મેદાને

જામ્યુકોના ચૂંટણી જંગમાં 64 બેઠકમાં 236 ઉમેદવારો મેદાને

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની 16 વોર્ડની 64 બેઠકો માટે ગઇકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બાર ઉમેદવારીપત્રો પરત ખેંચાયા હતાં. તેથી હવે 64 બેઠક માટે 236 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. ગઇકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બીએસપીના એક, એનસીપીના એક, આમ આદમી પાર્ટીના આઠ તથા બે અપક્ષ ઉમેદવાર મળી કુલ 12 ઉમેદવારોએ ચૂંટણી જંગમાંથી ઉમેદવારી પરત ખેંચી હતી. આમ હવે 236 ઉમેદવારો વચ્ચે જામ્યુકોની ચૂંટણીનો જંગ ખેલાશે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકોની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. 64 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારો મળી કુલ 343 ઉમેદવારોએ 427 ફોર્મ ભર્યા હતાં. જે પૈકી સોમવારે યોજાયેલી ફોર્મ ચકાસણીમાં 179 ફોર્મ રદ્ કરવામાં આવ્યા હતાં અને 248 ફોર્મ માન્ય રહ્યાં હતાં. ગઇકાલે મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ હતો ત્યારે કુલ 12 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતાં. જેમાં સૌથી વધુ આમ આદમી પાર્ટીના આઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા આમ આદમી પાર્ટીના સાવરણાની સળીઓ ખરવા લાગતાં આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચ્યો હતો.

આમ આદમી પાર્ટીના વોર્ડ નં. 7ના ઉમેદવાર હિનાબેન અઘેડાએ ફોર્મ પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો હતો. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના વોર્ડ નં. 12ના અબ્બાસ અલ્લારખા ખીરા, અમીરુન મહમ્મદ ઓસમાણ ચાવડા, હસન સિદીક મનેરીયા તથા અલ્ફીયા તારીક હુશેન કુરેશીએ ફોર્મ પરત ખેંચી લેતાં કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. વોર્ડ નં. 12ની આમ આદમી પાર્ટીની આખી પેનલે ફોર્મ પરત ખેંચી લેતાં કોંગ્રેસ માટે આ વોર્ડની રાહ આસાન બની હતી. ઉલ્લેખનિય છે કે, આ વોર્ડ કોંગ્રેસનો ગઢ છે અને ગત ચૂંટણીમાં કોંગ્રેસની પેનલ વિજેતા થઇ હતી ત્યારે આ વખતે આમ આદમી પાર્ટીની સંપૂર્ણ પેનલે વોર્ડ નં. 12માંથી દાવેદારી પરત ખેંચતા આ વોર્ડમાં હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના વોર્ડ નં. 13ના શાહિદાબાનુ સલીમભાઇ શેખ તેમજ વોર્ડ નં. 10ના શાહિના યુસુફ પઠાણએ પણ કોંગ્રેસના સમર્થનમાં ફોર્મ પરત ખેંચ્યું હતું તથા વોર્ડ નં. 8ના કુંદનબેન આમરણીયાએ પણ ફોર્મ પરત ખેંચી લેતાં ચૂંટણીનું મતદાન યોજાઇ તે પૂર્વે જ આમ આદમી પાર્ટીના આઠ ઉમેદવારો ખસી જતાં આમ આદમી પાર્ટીને ફટકો પડયો હતો. આમ આમ આદમી પાર્ટીના 56 ઉમેદવારો બાદ હવે 48 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે.

- Advertisement -

ગઇકાલે જે બાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા તેમાં વોર્ડ નં. 7, 8, 10, 13 અને 14માંથી આમ આદમી પાર્ટીના, વોર્ડ નં. 1માંથી એનસીપીએ એક, વોર્ડ નં. 2 અને વોર્ડ નં. 14માંથી એક-એક અપક્ષ ઉમેદવાર તેમજ વોર્ડ નં. 4માંથી બસપામાં એક ઉમેદવારએ ફોર્મ પરત ખેંચ્યું છે. આથી મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે 236 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.

હવે ભાજપના 64, કોંગ્રેસના 62, બીએસપીના 22, એનસીપીના 11, એસપીના 2, આમ આદમી પાર્ટીના 48 અને 27 અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જામ્યુકોની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી સહિતના પક્ષોએ પણ ઝંપલાવતાં ત્રિપાખીયા જંગસમાન ચૂંટણી જોવા મળી રહી છે. 16 વોર્ડની 64 બેઠકો માટે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ચિત્ર સ્પષ્ટ થયું છે. ત્યારે હવે પ્રચાર-પ્રસારનું યુધ્ધ જામશે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ પણ શરુ કરી દેવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular