પીજીવીસીએલની ટીમ દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાકી વિજબીલ અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પાંચ દિવસમાં 2138 વીજગ્રાહકોએ 1.44 કરોડની રકમ ભરપાઈ ન કરતા તેમના વીજ જોડણો કાપી નાખવામાં આવ્યાં હતાં અને આગામી દિવસોમાં રજાના દિવસોમાં પણ વસૂલાત માટે કામગીરી ચાલુ રાખવામાં આવશે. તેમજ કેટલાંક સ્થળોએ વીજ જોડાણના નાણાં બાકી હોય ટ્રાન્સફોર્મર પણ ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
માર્ચ એન્ડીંગ હોય, પીજીવીસીએલ દ્વારા બાકી વિજબીલની કામગીરી શરૂ કરવામાં આવી છે તા.23 થી તા.27 માર્ચ 2024 દરમિયાન જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાકી વિજબીલની વસૂલાત માટે દૈનિક ધોરણે 500 થી વધુ ટીમોએ કામગીરી હાથ ધરી હતી. જેમાં 19,111 જેટલા ગ્રાહકો પાસેથી રૂા.5.20 કરોડની રકમ વસૂલ કરવામાં આવી હતી તેમજ 2138 ગ્રાહકોએ રૂા.1.44 કરોડની રકમ ભરપાઈ ન કરતા તેમના વીજજોડાણો કાપી વિજપુરઠવો બંધ કરવામાં આવ્યો હતો. તા.27/3/2024 ની સ્થિતિએ રૂા.39.84 કરોડ ની વસૂલાત બાકી હોય હવે પછી રજા સહિતના દિવસોમાં પણ વસૂલાત માટે અધિક્ષક ઈજનેરના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલુ રાખવામાં આવશે આથી જેમના નાણાં બાકી હોય તેમણે બાકી વિજબીલની રકમ ભરી દેવા પીજીવીસીએલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જો બાકી વિજબિલન નાણાં નહીં ભરવામાં આવે તો તમામ વીજકનેકશનો કટ કરી નાખવામાં આવશે.
પીજીવીસીએલ દ્વારા કેટલાંક સ્થળોએથી વીજ જોડાણના નાણાં બાકી હોય તે ભરપાઈ થતા ન હોય આ વિસ્તારના ટ્રાન્સફોર્મર પણ ઉતારી લેવામાં આવ્યાં હતા અને ગાંધીનગર સહિત કેટલાંક વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે બાકી નાણાં વાળા વિજજોડાણ કાપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.