પંજાબ બાદ ડ્રગ્સ માફિયાઓનો ડોળો હવે ગુજરાત પર મંદ રાયો છે. છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના મોટા કાન્સાઈનમેન્ટ ઘુસાડવામાં આવ્યા છે ત્યારે પોરબંદર નજીકના સમુદ્રમાંથી NCB અને નૌ સેનાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી રૂ. 2000 કરોડની કિમંતનો800 કિલો ડ્રગ્સનો જથ્થો પકડી પડ્યો છે.
ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે. જેનો ઉપયોગ ડ્રગ્સ માફિયાઓ દેશમાં નશીલા પદાર્થો ઘુસાડવા માટે કરી રહ્યાં છે. બીજી તરફ ડ્રગ્સ માફિયાઓ પર ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, ઈન્ડિયન નેવી, NCB અને ગુજરાત એટીએસનો સકંજો કસાતો જઈ રહ્યો છે. આજે પણ અરબી સમુદ્રમાંથી ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, NCBને ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતના દરિયાનો ઉપયોગ થવા અંગેની બાતમી મળી હતી. આ બાતમીના આધારે NCB અને ભારતીય નૌ સેનાએ સંયુક્ત ઑપરેશન હાથ ધરીને કુલ 800 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.
જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 2000 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ ડ્રગ્સનો જથ્થો ઈરાન મોકલવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ ડ્રગ્સના જથ્થાને પોરબંદર ખાતે લાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, NCBની વિશેષ ટીમ ગુપ્ત બાતમીના આધારે ઇન્ડિયન નેવીની મદદથી સતત ઑપરેશન ચલાવી રહી છે. આ ઑપરેશનને પાકિસ્તાન સ્થિત ડ્રગ્સ સિન્ડિકેટ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. જે ભારત સહિત અન્ય દેશોમાં ડ્રગ્સની દાણચોરી માટે ગુજરાતના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરી રહ્યાં છે.
તાજેતરના દિવસોમાં જપ્ત કરવામાં આવેલા નશીલા પદાર્થોથી જાણવા મળે છે કે, ક્રિસ્ટર મેથામટામાઈનું મોટું કેન્દ્ર પાકિસ્તાન બની ગયું છે. જેની હેરાફેરી મુખ્યત્વે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં કરવામાં આવે છે.