કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા એક પરિવારની આશરે સાડા ચૌદ વર્ષની સગીર વયની પુત્રીને ગત તારીખ 27-09-2020 ના રોજ લલચાવી ફોસલાવીને ભગાડી જવા સબબ આ જ ગામના રમેશ ભીખુભાઈ કાગડીયા નામના શખ્સ સામે સગીરાના પિતાએ કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે જે-તે સમયે આરોપી રમેશ ભીખુભાઈ કાગડીયા સામે આઇપીસી કલમ 363, 366, 376 તથા પોકસો એક્ટ વિગેરે મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે આરોપીની ધરપકડ કરી, સગીરાની જરૂરી તપાસણી તથા આધાર પુરાવવાઓ એકત્ર બાદ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. આ અંગેનો કેસ અહીંની એડિશનલ સેશન્સ અદાલતમાં ચાલી જતા આ પ્રકરણમાં જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી, એડિશનલ સેશન્સ જજ પી.એચ. શેઠ દ્વારા આરોપી રમેશ કાગડીયાને તકસીરવાન ઠેરવી, જુદી-જુદી કલમમાં 20 વર્ષની સખત કેદ તથા કુલ રૂપિયા 20,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.