ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામે રહેતો આરોપી રવિ હમીર વેસરા નામનો શખ્સ એક પરિવારના પરિચયમાં હોય, આ પરિવારની આશરે સાડા તેર વર્ષની પુત્રી સાથે વાતચીત બાદ સંબંધ કેળવી, મોબાઇલની આપ-લે પછી ગત તારીખ 24 મે 2021 ના રોજ રવિ વેસરાએ સગીરાને રાત્રિના મેસેજ કરી અને ભાગી જવા માટે જણાવ્યું હતું. જો તેણી નહીં આવે તો પરિવારના સભ્યોને મારી નાખશે તેવી ધમકી આપી હતી. જેથી સગીરા આરોપી રવિના મોટરસાયકલ પર બેસી ગઈ હતી.
ત્યારબાદ આરોપી શખ્સે સગીરા પર દુષ્કર્મ ગુજારી, તેણીને ઘરે પરત મૂકી ગયો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે સગીરાના માતાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ મથકમાં દુષ્કર્મ તથા પોક્સો સહિતની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સંદર્ભે જે-તે સમયે પી.આઈ. વી.વી. વાગડિયાએ આરોપી તથા ભોગ બનનારના મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી કરી અને પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
આ અંગેનું કેસ અહીંની સ્પેશિયલ અદાલતમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલો તેમજ 11 સાહેદોની તપાસ ઉપરાંત જુબાનીને ધ્યાને લઈ અને અદાલતે આરોપી રવિ હમીર વેસરાને તકસીરવાન ઠેરવ્યો હતો. આ સમગ્ર કેસમાં અદાલતે આરોપીને વીસ વર્ષની સખત કેદ તથા રૂપિયા 17,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ ઉપરાંત વિક્ટિમ કમ્પેનસેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને રૂપિયા ત્રણ લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.