નારણપરમાં યુવતીના અપહરણ અને દુષ્કર્મના કેસમાં એક શખ્સને સેશન્સ કોર્ટ દ્વારા 19 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે. તેમજ પીડિતાને રૂા.2 લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ, ગત તા.22-6-2021 ના રોજ નારણપરની યુવતી દ્વારા જીતુગીરી પૃથ્વીસિંહ પરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ભોગ બનનાર કોવિડના સમયમાં નારણપરમાં આવેલ વાડીએ યુવતી પોતાના પરિવાર સાથે રહેતી હોય અને તેના પરિવારના સભ્યો કયારેક ઝબકીને જાગી જતા હોય અને ડરી જતા હોય જેથી નારણપરમાં એવી વાતો થતી હતી કે આ લોકોના કુટુંબને પિતૃ નડતર છે. જેથી ભોગ બનનારના ફુવાએ જણાવેલ કે, હું એક બાવાજીને ઓળખું છું. જેનું નામ જયગીરી છે. તે પિતૃ નડતર દૂર કરી આપશે. જેથી ભોગ બનનારના ફુવા દ્વારા જીતુગીરીને વાડીએ બોલાવી ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. જેથી એક દિવસ આ ભુવા જીતુગીરી લીમડાના ઝાડ નીચે બેઠા હતાં ત્યારે ભોગ બનનારને કહ્યું હતું કે, તારા ઘરના સભ્યોને તાંત્રિક વિધિથી મારી પકડમાં લઇ લીધા છે. જો હું કહું તેમ નહીં કર તો તારા પરિવારનું તાંત્રિક વિધિથી મૃત્યુ નિપજાવીશ. અને ભોગ બનનારને રાત્રિના બે વાગ્યે માટીના ઢગલા પાસે આવવા જણાવ્યું હતું. નહીંતર પરિવારના સભ્યોને પતાવી દેવાની ધમકી આપી હતી.
જેથી ભોગ બનનાર રાત્રિના વાડીમાં આવેલ ઢગલા પાસે જતાં આરોપી જીતુગીરીએ ભોગ બનનારને ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ તા.18-6-2021 ના રોજ ભુવા જીતુગીરીએ ફરી ભોગ બનનારને ધમકી આપી રાત્રિના વાડીની બહાર બોલાવી તેણીનું અપહરણ કરી રાજસ્થાન લઇ ગયો હતો. જ્યાં પણ ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ તેઓ પરત અમદાવાદ ભોગ બનનારને લાવ્યો હતો. જેથી ત્યાં રહેલ પોલીસે ભોગ બનનાર તથા ભુવા જીતુગીરીને જામનગર લાવી ભોગ બનનાર દ્વારા જીતુગીરી પૃથ્વીસિંહ પરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કર્યુ હતું. આ કેસમાં સરકારી વકીલ રાજેશ કે. વશીયરની દલીલો ધ્યાને લઇ સેશન્સ કોર્ટે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુગીરી પૃથ્વીસિંહ પરમારને આઈપીસીની કલમ 376 (બે) અન્વયે 14 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.15000 નો દંડ, આઈપીસી કલમ 365 અન્વયે પાંચ વર્ષની સજા તથા રૂા.5000 નો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. તેમજ પીડિતાને રૂા. 2 લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો હતો.
આ કેસમાં મુળ ફરિયાદી તરફે વકીલ અશોક જોશી, કોમલ જોશી, તેમજ સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વશીયર ઉપસ્થિત રહ્યા હતાં.