લોકસભા 2024 ની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. જે પ્રમાણે ત્રીજા તબકકામાં તા.07 મી મે 2024 ના રોજ ગુજરાતની 26 લોકસભા બેઠકો ઉપર મતદાન યોજાશે અને તા.04 જૂનના રોજ મત ગણતરી થશે. 12-જામનગર લોકસભા બેઠકમાં કુલ 18,13,913 મતદારો નોંધાયા છે. જે મતાધિકારનો ઉપયોગ કરશે. તેમજ 12-જામનગર લોકસભા બેઠકમાં કુલ 1879 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં 386 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે શનિવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં જામનગર જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારી એ પત્રકારો સમક્ષ માહિતી પૂરી પાડી હતી.
લોકસભા 2024 ની ચૂંટણી 12-જામનગર લોકસભા બેઠક માટે તા.07 મે ના રોજ મતદાન યોજાશે. આ અંગે તા.12-4-2024 ના રોજ ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થશે. તા.19 એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્રો રજૂ થઈ શકશે. તા.20 એપ્રિલના ઉમેદવારી પત્રોની ચકાસણી તથા તા.22 એપ્રિલ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ છે. તા.07/05/2024 ના મતદાન યોજાયા બાદ તા.04/06/2024 ના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી. કે. પંડયાએ જણાવ્યું હતું કે, ચૂંટણીની જાહેરાતની સાથે જ ચૂંટણી અંગેની આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. જેના અમલ માટે જિલ્લા કક્ષાએ નોડલ અધિકારી તરીકે નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગર તથા શહેરી વિસ્તાર માટે નાયબ મ્યુ. કમિશનરની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક તાલુકા કક્ષાએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસરની નિમણૂંક કરવામાં અવી છે. આ ઉપરાંત તમામ વિધાનસભા મતદાર વિભાગો માટે વહીવટી કર્મચારી તથા પોલીસ વિભાગના કર્મચારીની વીડિયોગ્રાફરો સાથેની ટીમો બનાવામાં આવી છે જે આદર્શ આચારસંહિતના અમલ અંગેની કાર્યવાહી કરશે. 12-જામનગર લોકસભા વિસ્તારની 76-કાલાવડ, 77-જામનગર ગ્રામ્ય, 78-જામનગર ઉત્તર, 79-જામનગર દક્ષિણ, 80-જામજોધપુર, 81-ખંભાળિયા તથા 82-દ્વારકા સહિત કુલ 5 વિધાનસભા વિસ્તાારોમાં હાલની તારીખે કુલ 9,29,896 પુરૂષ મતદારો, 8,83,981 મહિલા મતદારો તથા 36 ટ્રાન્સઝેન્ડર સહિત કુલ 18,13,913 મતદારો નોંધાયા છે. જેમાં 11,405 મતદારો 85 વર્ષ થી ઉપરના તથા 273 મતદારો 100 વર્ષથી ઉપરના છે તેમજ કુલ મતદારો પૈકી 29,642 મતદારો 18 થી 19 વર્ષની વયના છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 76-કાલાવડ વિધાનસભામાં 281 મતદાન મથકો છે. જે પૈકી 56-સંવેદનશીલ મતદાન મથકો છે તેમજ 77-જામનગર ગ્રામ્ય વિધાનસભામાં 270 મતદાન મથકો જેમાં 57 સંવેદનશીલ મતદાનમથકો, 78-જામનગર ઉત્તર વિધાનસભામાં 229 મતદાન મથકો જેમાં 31 સંવેદનશીલ મતદાનમથકો, 79-જામનગર દક્ષિણ વિધાનસભામાં 197 મતદાન મથકો જેમાં 38 સંવેદનશીલ મતદાનમથકો, 80-જામજોધપુર વિધાનસભામાં 268 મતદાન મથકો જેમાં 57 સંવેદનશીલ મતદાનમથકો, 81-ખંભાળિયા વિધાનસભામાં 327 મતદાન મથકો જેમાં 63 સંવેદનશીલ મતદાનમથકો, 82-દ્વારકા વિધાનસભામાં 307 મતદાન મથકો જેમાં 84 સંવેદનશીલ મતદાનમથકો સહિત કુલ 7 વિધાનસભાના 1879 મતદાન મથકો નિયત કરાયા છે. જેમાં 386 મતદાન મથકોને સંવેદનશીલ મતદાન મથક જાહેર કરાયા છે. હાલમાં અંદાજિત 1879 ઈવીએમ થી મતદાન યોજાવાની તૈયારી રખાઈ છે. આ ઉપરાંત 20% ઇવીએમ સ્પેરમાં રાખવામાં આવશે. પ્રત્યેક વિધાનસભા મતદાન વિભાગદીઠ ખાસ મતદાન મથકો પણ બનાવાશે. જેમાં 7 મહિલા સંચાલિત મતદાન મથકો, એક દિવ્યાંગો દ્વારા સંચાલિત, એક મોડેલ મતદાન મથક, એક યુવા અધિકારી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાએ મતદાન મથક તૈયાર કરાશે. આ ઉપરાંત સંબંધિત મતદાર વિભાગના 50% મતદાન મથક વેબ કાસ્ટીંગ ધરાવતા મતદાન મથક રહેશે. જ્યાં સીસીટીવી કેમેરા હશે જેનું લાઈવટેલીકાસ્ટ અધિકારીઓ નિહાળી શકશે.
12-જામનગર લોકસભા મતદાન વિભાગની ચૂંટણી દરમિયાન કુલ 8872 કર્મચારીઓ ફરજો બજાવશે. જે પૈકી જામનગર જિલ્લાની 5 વિધાનસભા મતદાન વિભાગોમાં 5569 તથા દ્વારકા જિલ્લામાં બે વિધાનસભામાં 3303 કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવશે. જામનગરના પાંચ વિધાનસભા મતદાન વિભાગમાં 148 ઝોનલ રૂટ નકકી કરાયો છે. જે માટે 148 ઝોનલ અધિકારીની નિમણૂંક કરાઇ છે તથા દ્વારકા જિલ્લાની બે વિધાનસભામાં 76 ઝોનલ રૂટ નકકી કરાયો છે. તે માટે 76 ઝોનલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન દરેક બુથ ઉપર ઉપયોગ થનાર તમામ ઇવીએમનું રેન્ડેમાઈઝેશન કરવામાં આવશે. ત્યારબાદ ઇવીએમની ફાળવણી થશે.
12-જામનગર લોકસભા ચૂંટણી માટે રીસીવીંગ ડીસ્પેચિંગ સેન્ટરો જાહેર કરાયા છે. જેમાં 76-કાલાવડમાં હરધ્રોલ હાઈસ્કૂલ, ધ્રોલ, 77-જામનગર ગ્રામ્ય માટે હાલારી વિશાઓશવાળ વિદ્યાલય, જામનગર, 78-જામનગર ઉત્તર માટે ડીકેવી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, 79- જામનગર દક્ષિણ માટે પ્રભુલાલ સંઘરાજ શાહ વિદ્યાલય, 80-જામજોધપુર માટે વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ લાલપુર, 81-ખંભાળિયા માટે પ્રાંત કચેરી ખંભાળિયા, 82-દ્વારકા માટે શારદાપીઠ કોલેજ દ્વારકા સેન્ટર રાખવામાં આવ્યા છે. તા.04 જૂનના રોજ યોજાનાર મત ગણતરી જામનગર શહેરમાં ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હરીયા કોલેજ બિલ્ડિંગ ખાતે યોજાશે.
85 વર્ષથી ઉપરના તેમજ અશકત મતદારો પોતાના ઘરેથી મતદાન કરી શકેે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે અધિકારીઓ આવા મતદારોના ઘરે ઘરે જઈ મુલાકાત કરશે અને તેઓ પાસે ફોર્મ ભરાવવામાં આવશે. જેમાં આવા મતદારો ઘરેથી મતદાન કરવા ઈચ્છે છે કે કેમ ? તે જણાવી શકશે. આ ઉ5રાંત નોનબેલેબલ વોરંટ અંગે પણ પોલીસ અધિકારીઓને સાથે રહી ચર્ચા વિચારણા કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
મતદાર યાદી માટે હેલ્પલાઈન તથા ફરિયાદો માટે કંટ્રોલ રૂમ
જામનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઇ જિલ્લાના મતદારો મતદાર યાદીમાં તેમના નામ દાખલ થયા છે ? કે કેમ ? તેની ચકાસણી માટે ફોટો ઓળખ પત્ર ધરાવે છે ? કે કેમ ? તથા મતદારો દ્વારા કયા મતદાન મથક ખાતે મતદાન કરવા જવાનું છે ? તેની જાણકારી માટે કલેકટર કચેરીની ચૂંટણી શાખામાં હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેના નંબર 1950 છે. આ ઉપરાંત ચૂંટણી સંબંધિત ફરિયાદો માટે જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી, જામનગર ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. જેના ટોલ ફ્રી નંબર 1800-233-3681 છે. જેના ઉપર ચૂંટણીને લગતી ફરિયાદો કરી શકાશે.
ચૂંટણી સંબંધિત આઇટી એપ્લીકેશનો ડેવલપ કરાઇ
લોકસભા 2024 ની ચૂંટણીને લઇ મતદારો, ઉમેદવારો તથા રાજકીય પક્ષોને વિવિધ જાણકારીઓ, ફરિયાદોનો નિકાલ સરળતા થઈ શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા ઓનલાઈન એપ્લીકેશન તૈયારી કરાઈ છે.
સી-વીજીલ | ચૂંટણી સંબંધિત આચાર સંહિતાના ભંગ તેમજ ખર્ચ | અંગેની ફરિયાદો માટે |
સુવિધા | ઉમેદવારોને જરૂરી અલગ અલગ મંજૂરીઓ મેળવવા | તેમજ ઉમેદવારી પત્ર ઓનલાઈન રજૂ કરવા માટે |
વોટર હેલ્પલાઈન | મતદારોને મતદારયાદી સંબંધિત માહિતી માટે | |
પીડબલ્યુડી સક્ષમ | દિવ્યાંગ મતદારોને મતદાનના દિવસે સહાયતા માટે | |
વોટર ટર્નઆઉટ | મતદાનના દિવસે થયેલ મતદાનની વિગતો માટે | |
નો યોર કેન્ડીડેટ | હરીફ ઉમેદવારોની વિગતો જાણવા માટે | |
કેન્ડીડેટ એપ | હરીફ ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્ર વિશે જાણકારી | તેમજ માંગવામાં આવેલ મંજૂરીના સ્ટેટસની જાણકારી માટે |
જામનગર લોકસભા બેઠકમાં નોંધાયેલ મતદારો
બેઠક | પુરૂષ | મહિલા | ટ્રાન્સઝેન્ડર | કુલ |
76-કાલાવડ | 119378 | 111746 | 3 | 231127 |
77-જામનગર (ગ્રામ્ય) | 131644 | 125577 | 0 | 257221 |
78-જામનગર (ઉત્તર) | 138178 | 132346 | 1 | 270525 |
79-જામનગર (દક્ષિણ) | 116465 | 112532 | 12 | 229009 |
80-જામજોધપુર | 117266 | 109797 | 0 | 227063 |
81-ખંભાળિયા | 155373 | 149026 | 12 | 304411 |
82-દ્વારકા | 151592 | 142957 | 8 | 294557 |
કુલ | 929896 | 883981 | 36 | 1813913 |