ઘેર એકલવાયું જીવન ગાળતા વયોવૃદ્ધોને મેડીકલ ચેકઅપ ઉપરાંત દવા-ખાદ્યચીજો પુરી પાડવા તથા બેંક અને બીલ પેમેન્ટ જેવી સુવિધા કરમુકત નથી અને તેના પર 18 ટકા જીએસટી લાગુ પડતો હોવાનો ચુકાદો જીએસટી ઓથોરીટી ફોર એડવાન્સ રૂલીંગ દ્વારા આપવામાં આવ્યો છે.
ઘેર એકલા રહેતા વયોવૃદ્ધોને ઘર બેઠા સારસંભાળ સહીતની સુવિધાઓ આપતી કંપનીઓ કાર્યરત છે. સારસંભાળ લેવાની આ પ્રવૃતિ વિશે જુદા-જુદા પેકેજ ઓફર કરાતા હોય છે.આ સુવિધા પર જીએસટી લાગે કે કેમ તે વિશે કાનુની જંગ મંડાયો છે. સીનીયર સીટીઝનોની સારસંભાળ માટે સ્નેહડોર સોશ્યલ એન્ડ હેલ્થ કેર સપોર્ટ નામક કંપનીએ જુદા-જુદા ત્રણ પેકેજ જારી કર્યા હતા. વાર્ષિક રજીસ્ટ્રેશન ફી, ત્રિમાસીક ફી તથા રીફંડેબલ ડીપોઝીટ મેળવતી હતી. આ પ્રકારની સેવા આરોગ્યલક્ષી નથી અને સામાજીક સંભાળ પણ રાખવામાં આવતી હોવાથી 18 ટકા જીએસટી લાગુ પડે તેનો ચુકાદો ઓથોરીટીએ આપ્યો છે. ચુકાદામાં એમ કહેવાયું છે કે જનરલ ફીઝીશ્યન તબીબ નર્સ કે સારસંભાળ લેતા કર્મચારીની વીઝીટ આરોગ્ય સેવામાં આવી શકે અને તેમાં કરમુકિતનો લાભ મળે પરંતુ કલીનીક કે હોસ્પીટલ તરફથી જ આ સવલત અપાતી હોય તો લાગુ પડી નથી. સ્ટાર્ટઅપ કંપનીને તેનો લાભ મળી ન શકે.વયોવૃદ્ધોને અપાતી વિવિધ પ્રકારની સેવા પર કંપની કરમુકિત મેળવી ન શકે.