જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન ચાર મહિલા સહિત 6 શખ્સને રૂા. 46,760ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધાં હતાં. જામનગર મંગલધામ સોસાયટીમાંથી જુગાર રમતા પાંચ મહિલાઓને પોલીસે રૂા. 15,200ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જામનગરના ખડખડનગર વિસ્તારમાંથી જુગાર રમતા 6 મહિલાઓને પોલીસે રૂા. 10,100ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં સંજરી ચોક પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન ચાર મહિલા અને દિવ્યરાજસિંહ ભરતસિંહ જાડેજા, અસલમ રફીક સૈયદ સહિતના 6 શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 46,760ની રોકડ રકમ તથા ગંજીપત્તા કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો જામનગર શહેરના મંગલધામ સોસાયટી વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતાં પાંચ મહિલાઓને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 15,200ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજો દરોડો જામનગર શહેરના નવાગામ ઘેડમાં ખડખડનગર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 6 મહિલાઓને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 10,100ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


