ચોક્કસ વાલીઓ દ્વારા ધોરણ 10ના આશરે 12 લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરીને પ્રમોશન આપવાની માગ કરવામાં આવી રહી છે. જોકે કોવિડની અત્યારની સ્થિતિ વચ્ચે પણ રાજ્ય સરકાર એવું સ્પષ્ટપણે માને છે કે, ધોરણ 10ની પરીક્ષા ઓફલાઇન લેવાશે. શિક્ષણમંત્રી 15 મેએ સમીક્ષા કરે તે બાદ નિર્ણય લેવાઈ શકે છે.
સરકારનાં સત્તાવાર સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, હાલનો ધોરણ 10નો વિદ્યાર્થી પ્રમોશન લઈને જ ધોરણ 10 સુધી પહોંચ્યો છે. આવા સંજોગોમાં જો તેની ધોરણ 10ની પરીક્ષા પણ લેવામાં ન આવે તો વિદ્યાર્થીની સ્પર્ધાત્મકતા પર અસર થાય તેમ છે. આથી ધોરણ 10ની પરીક્ષા ઓફલાઇન લેવાનું જ સરકાર મક્કમપણે માને છે.
એકાદ મહિના પછી કોરોનાના કેસોમાં ઘટાડો થાય અને સ્થિતિ યથાવત્ થાય પછી ધોરણ 10ની પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીને પ્રમોશન આપવું સહેલું છે. પ્રમોશન આપવાથી વિદ્યાર્થીને કાયમી નુકસાન થાય છે તે ભરપાઈ થઇ શકે તેમ ન હોવાથી ઓફલાઇન પરીક્ષા લેવી આવશ્યક છે.
અત્યારે ધો.10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી 1થી 8માં એકમ કસોટીના આધારે ઉર્તીણ થયેલો છે. આવા સંજોગોમાં તેના વ્યક્તિત્વના વિકાસ માટે પરીક્ષા લેવાવી જરૂરી છે. પરીક્ષા ન લેવાય તો વિદ્યાર્થી ધો. 12માં લેવાતી રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓ માટે ઘડાશે જ નહીં. ધો. 10માં 12 લાખ વિદ્યાર્થી છે, જેમનું મૂલ્યાંકન થાય નહીં તો હોશિયાર કે મહેનત કરતા વિદ્યાર્થી સાથે અન્યાય થાય.