જામનગર શહેરમાં જુદા-જુદા વિકાસ કામો માટે 159 કરોડના ખર્ચને મંજુરી આપવામાં આવી છે. જેમાં શરૂ સેકસન માર્ગને ગૌરવપંથ તરીકે વિકસાવવા 15.22 કરોડનું ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યું છે. જયારે ટેન્ડર કમિટીના 4 સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.
ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં ભૂગર્ભ ગટર શિવર કલેકશન કલેકશન પાઇપલાઇન નેટવર્ક, રણમલ લેઇક અને ખંભાળિયા ગેઇટ મેઇન્ટેનશ તેમજ જુદા-જુદા વિસ્તારોમાં વોટર ટેન્કરમારફત પાણી વિતરણ કરવાના કામ માટે ખર્ચને મંજૂરી આપવામા આવી હતી. સમર્પણ સર્કલથી સૈનિક ભવન પાસે રેલવે ક્રોસિંગ પર બનતા ઓવરબ્રિજ માટે 6.79 કરોડના જીએસટી ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત રણજીતસાગર ઢોરના ડબ્બામાં શ્ર્વાન વ્યંધીકરણ રૂમના અપગ્રેડેશન તથા નવો એનિમલ નવો કંટ્રોલરૂમ બનાવવા 24.41 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. અમૃત યોજના અંતર્ગત 20 એમએલડીનો સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પમ્પીંગ સ્ટેશન બનાવવા માટે 40 કરોડનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું છે.
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાની નિકાલનો પ્રોજેકટ ડીઝાઇન તથા ફિઝિબિલીટી ચેક કરવાની કામગીરી માટે 36 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. સ્થાયી સમિતિની બેઠકમાં ટેન્ડર કમિટીના ચાર સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ધર્મરાજસિંહ જાડેજા, અરવિંદ સભાયા, કિશન માડમ અને મનિષ કટારિયાનો સમાવેશ થાય છે.
બેઠકમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડીએન મોદી, ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની, આસી. કમિશનર કોમલબેન પટેલ તથા જીગ્નેશ નિર્મળ ઉ5સ્થિત રહયા હતા.