જામનગરના જામજોધપુરમાં રહેતા 11 વિદ્યાર્થીઓ અને પરિવાર ચાર સભ્યો સહિત 15 લોકો કોરોના સંક્રમિત થવાથી વિદ્યાર્થીઓને હોમ આઇશોલેશન કરવામાં આવ્યા છે અને તેમના પરિવારજનોના પરીક્ષણો કરાવવા કાર્યવાહી હાથ ધરી અને સ્કૂલ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુરમાંથી ખાનગી સ્કૂલ બસમાં 35 વિદ્યાર્થીઓ ઉપલેટા નજીક આવેલી એક ખાનગી શાળામાં ધો.1 થી 10 સુધી અભ્યાસ કરવા માટે દરરોજ અવન-જવન કરતા હોય છે. આ વિદ્યાર્થી પૈકીની જામજોધપુરમાં રહેતી દસમા ધોરણની એક વિદ્યાર્થીનીને તાવ શરદી થવાથીે સોમવારે શાળાએ ગઈ ન હતી. આ વિદ્યાર્થીનો કોવિડ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી ઉપલેટાની શાળામાં અભ્યાસ કરતા 35 વિદ્યાર્થીઓનો કોવિડ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તમામ વિદ્યાર્થીઓના જામજોધપુરના આરોગ્ય કેન્દ્રમાં પ્રત્યેક વિદ્યાર્થીઓના કોરોના પરીક્ષણ કરાવાયા હતા. જેમાં વધુ 11 વિદ્યાર્થીના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતાં. તેમજ દરેક વિદ્યાર્થીના પરિવારજનોના કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરાતા ચાર વાલીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને હોમઆઇસોલેશન કરવામાં આવ્યા છે.
જામજોધપુરના વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઉપલેટાની શાળામાં વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત ન થાય તે માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે તેમજ શાળના વિદ્યાર્થીઓને રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સેનીટેશન કરવામાં આવી હતી.