તમારા માટે એક નિર્જિવ, ઇલેક્ટોરનિક મશીન પરની ચાંપ દબાય, એ જ લોકશાહી છે. તમારા માટે એક લાલ લાઇટ થાય અને બીપનો અવાજ સંભળાય, એ જ લોકશાહી છે પણ અમારા માટે કોવિડ પ્રોટોકોલથી દરેક ચિતા પર સળગે છે, એ ‘લોકશાહી’ છે. અમારા માટે દરેક ચિતા પાછળ થતાં સેંકડો રુદન એ ‘લોકશાહી’ છે. એક ચૂંટણી એ જ તમારા માટે લોકશાહી છે. દરેકની જિંદગી અમારા માટે લોકશાહી છે, અમારે અમારી લોકશાહીને બચાવવાની છે.
ચિતા પર રોટલી શેકનારાઓ તો જાણ્યા હતા. આ કયા લોકો છે, જે સળગતી ચિતાઓ પર સત્તાની ખુરશી નાખીને બસવા માગે છે? સત્તાભૂખની આ કેવી લહેર છે, જે અટકવાનું નામ જ લેતી નથી. દેશ આખો કોરોનાના અજગરી ભરડામાં ભીંસાઈ રહ્યો છે અને ગાંધીનગરમાં ચૂંટણી માટે પ્રપંચ ચાલી રહ્યો છે. માત્ર ગાંધીનગર મહાનગરપાલિકા હેઠળના વિસ્તારમાં ગયા 24 કલાકમાં જ 67 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 14નાં મોત થયાં છે. તમારી ચૂંટણીઓ માટે અમારે કેટલી ચિતાઓ સળગાવવી પડશે?
ચૂંટણીના તાયફા માટે આપણે ગાંધીનગરની આવી દશા કરવાની છે? અત્યારના સંજોગોમાં ચૂંટણી કરવી એટલે કોરોનાને મોકળું મેદાન આપવું, જે આપણે ક્યારેય સ્વીકારી શકીએ નહીં. ચૂંટણીઓ મોકૂફ રહે, એ જ લોકોના અને ‘ગાંધીનગર’ના હિતમાં છે.
તમને લોકશાહીની આટલી જ ફિકર હોય તો દરેક બૂથ પર વેક્સિનેશનનાં કેન્દ્રો ખોલો અને દરેક મતદારને વેક્સિન મળે, એવી વ્યવસ્થા ગોઠવો. અમે વિક્રમી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે દરેક બૂથ પર ઊભા રહી જઈશું. એક-બે ઘડી લોકશાહીને ભૂલી જાવ, કોરાણે મૂકી દો સત્તાની એ સાઠમારીને, પોટલાંમાં નાખો એ તુમારોને. યાદ રાખો લોકોને. લોકો હશે તો જ ‘લોકશાહી’ રહેશે. આજે ‘લોકો વડે, લોકોથી, લોકો માટે’ની સત્તા વિશે વિચારવાનો સમય નથી. આજે લોકો વડે, લોકોથી, લોકો માટે જિંદગીઓ બચાવવાનો સમય છે.
કેટલા મત પડશે, એ આજે મહત્ત્વનું નથી. કેટલા શ્વાસ બચશે, એ મહત્ત્વનું છે. જો તમારી નિર્જિવ ‘લોકશાહી’ને બચાવવાના જ માર્ગે આગળ વધશો તો લોકો હારી જશે અને પછી ગાંધીનગરમાં જેનું શાસન હશે, એ તો કોરોનાશાહી હશે. સત્તાના હાથ અમારા મોતથી ખરડાયેલા હશે! આ પ્રકારની ચર્ચા સમગ્ર ગાંધીનગરમાં શરૂ થઇ છે અને બીજી બાજુ કોરોના ના કારણેે પાટનગરમાં 24 કલાકમાં 14 મોત થયા છે. આમ આદર્મી પાર્ટી તથા કોંગ્રેસ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી રદ કરવા રજૂઆત થઇ છે.