પીએસઆઇની ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે હાઇકોર્ટના સિંગલ જજે પોલીસ ખાતાના મોટર ટ્રાન્સપોર્ટના 21 કોન્સ્ટેબલ્સને મંજૂરી આપતા તેની સામે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અપીલ કરી છે. જેની સુનાવણી બાદ હાઇકોર્ટે છ સપ્તાહ સુધી અંદાજિત 1200 પીએસઆઇની ભરતી પ્રક્રિયા પર સ્ટે મૂક્યો છે અને ખંડપીઠે આદેશ કર્યો છે કે, છ સપ્તાહના સમયગાળામાં સિંગલ જજ સમક્ષ પેન્ડિંગ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના અરજદાર ઉમેદવારોની અરજીનો નિકાલ કરવામાં આવે.
આ મામલે રાજ્ય સરકારની રજૂઆત હતી કે,‘જો અમે 21 ઉમેદવારોની ફરીથી પરીક્ષા લઇએ તો સમગ્ર પ્રક્રિયા નવેસરથી હાથ ધરવી પડશે અને તમામ વિન્ડો ઓપન કરવી પડશે. આ ભરતી પ્રક્રિયા હાલ અંતિમ તબક્કા ઉપર છે. જેથી નવેસરથી પ્રક્રિયાનો આરંભ કરવો યોગ્ય જણાતું નથી.’ સરકારની આ દલીલનો ઉમેદવારો તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમની રજૂઆત હતી કે,‘તેઓ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં ડ્રાઇવર તરીકે ભલે નોકરી કરતાં હોય, પરંતુ તેઓ પોલીસ વિભાગના જ કર્મચારીઓ છે. તેમને જુદા કર્મચારીઓ તરીકે તારવી શકાય નહીં. પીએસઆઇની ભરતીની પ્રક્રિયામાં ભાગ લેવાની તક તેમને પણ મળવી જોઇએ.’
અગાઉ હાઇકોર્ટે પોલીસ ખાતાના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના કોન્સ્ટેબલ્સને પીએસઆઇની ભરતીની મુખ્ય પરીક્ષામાં બેસવા દેવા માટેનો આદેશ કર્યો હતો. જેના અનુસંધાને 57 જેટલા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઇ શક્યા હતા, પરંતુ ઓથોરિટીએ મૂળ અરજદાર 21 ઉમેદવારોને પરીક્ષાથી વંચિત રાખ્યા હતા.
પીએસઆઇ ભરતીમાં ખાતાકીય પ્રમોશનના વિવાદ આ મામલે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં કાર્યરત કર્મચારીઓને હાઇકોર્ટ તરફથી અગાઉ રાહત અપાઇ હતી અને કોન્સ્ટેબલોને મુખ્ય પરીક્ષા બેસવા માટે પરવાનગી આપી હતી. જેમાં એવી શરત પણ રાખવામાં આવી હતી કે જે ઉમેદવારો ફિઝિકલ પરીક્ષામાં પાસ થયા છે તેઓ મુખ્ય પરીક્ષામાં હાજર રહી શકશે.
હાઇકોર્ટે ભરતી બોર્ડને નિર્દેશ પણ આપ્યા હતા કે પોલીસ ખાતાના ખઝ વિભાગમાં કાર્યરત કોન્સ્ટેબલ માટે મુખ્ય પરીક્ષાનું પરિણામ સીલ કવરમાં બંધ રાખવાનું રહેશે. કોર્ટના આગામી હુકમ ન થાય ત્યાં સુધી અસરનું પરિણામ જાહેર નહીં કરી શકાય. પ્રમોશનના આધાર પર પીએસઆઇની ભરતીમાં સમાવવા એમ.ટી. સેક્શનના કોન્સ્ટેબલોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને લઈ કોર્ટે વચગાળાના આદેશ કર્યા હતા. જેની સામે હવે સરકારે અપીલ કરતાં ડિવિઝન બેંચે સ્ટેનો આદેશ કરતાં હાલ પૂરતી ભરતી પ્રક્રિયા અટવાઇ પડે એવી સ્થિતિ સર્જાશે.