જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજે જામનગર જિલ્લા ન્યાયાલયમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 12 હજારથી વધુ કેસો મુકવામાં આવ્યા છે. જે પૈકી 3000 જેટલા કેસોમાં સમાધાન કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યની સાથે જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ લોક અદાલતનું ઉદ્ઘાટન જિલ્લા ન્યાયાધીશ મુલચંદ ત્યાગી દ્વારા કરવામાં આવ્યું હતું. બંને જિલ્લાની લોક અદાલતના આયોજન અંગે વિગતો આપતા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ પ્રજ્ઞેશ સૂચકે જણાવ્યું હતું કે, આ નેશનલ લોક અદાલતમાં 12000 જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા છે. જે પૈકી 3000 જેટલા કેસોનો નિવેડો આવે તેવી આશા છે. આ લોક અદાલતમાં લેણાના કેસ, વળતરના કેસ, પીજીવીસીએલના કેસ, પતિ-પત્નિના ઝઘડાના કેસ, મિલકતના કેસ વગેરેનો સમાવેશ થાય છે. ગત લોક અદાલતમાં 23 ટકા જેટલા કેસો ફેસલ કરવામાં આવ્યા હોવાનું પ્રજ્ઞેશ સૂચકે જણાવ્યું હતું. આજની આ લોક અદાલતમાં મોટી સંખ્યામાં પક્ષકારો તેમજ વકીલો ઉપસ્થિત રહ્યાં હતાં.
ન્યાયધીશ, તથા ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગર, મુલચંદ ત્યાગી, પ્રિન્સિપલ ફેમિલી જજ સોની, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ દેસાઈ તથા મહેતા, સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગર, જિલ્લાના તમામ સિનિયર સિવિલ જજ તથા સિવિલ જજ ન્યાયાધીશો, એપીપી, પ્રમુખ જામનગર વકીલ મંડળ, પ્રમુખ એમ એસીપી વકીલ મંડળ, સિનિયર મધ્યસ્થીઓ, પેનલ એડ્વોકેટ્સ, પેરાલીગલ વોલિયન્ટર તથા લોક અદાલતના પક્ષકારો નેશનલ લોક અદાલતના ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહ્યાં હતાં.