મોરબીના હળવદ જીઆઇડીસીમાં મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાઈ થવાની ઘટનામાં એક જ પરિવારના 6 લોકો સહીત કુલ 12 શ્રમિકોના મૃત્યુ થયા છે. આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે. ત્યારે મુખ્યમંત્રી તમામ કામો પડતા મૂકી તાત્કાલિક હળવદ પહોચ્યા છે. હળવદમાં મીઠાના કારખાનામાં શ્રમિકો મીઠાની બોરીઓ પેક કરીને દીવાલના ટેકે રાખી રહ્યા હતા તે દરમિયાન દીવાલ ધરાશાઈ થતા 20 જેટલા શ્રમિકો દટાયા હતા જેમાં 12 લોકોના મૃત્યુ થયા છે.
હળવદ GIDCમાં આવેલી સાગર સોલ્ટ નામની ફેક્ટરીમાં મજુરો સવારથી જ મીઠાની બોરીઓ પેક કરીને દીવાલના સહારે ગોઠવી રહ્યા હતા. લાઈનમાં મુકેલી મીઠાની બોરીઓનું વજન દીવાલ પર આવતા દીવાલ ધરાશાઈ થઇ હતી. અને 20 શ્રમિકો દટાયા હતા જેમાં 12ના મૃત્યુ થી સમગ્ર વિસ્તાર ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. 12 લોકોના મોત મામલે તંત્ર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને સમગ્ર ઘટનાનો તપાસ અહેવાલ ત્રણ દિવસમાં રજૂ કરવા જણાવ્યું છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદ ખાતેં GIDC માં દીવાલ ધસી પડતાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ₹4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમજ ઈજાગ્રસ્તોને ₹ 50હજારની સહાયની જાહેરાત કરી છે. તો બીજી બાજુ પ્રધાનમંત્રીએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. અને કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિજનોને 2-2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.