જામનગરના પાંચ ડોકટરો સહિત કુલ 12 સાહસિકોએ શિખરો સર કરી જામનગરનું ગૌરવ વધાર્યુ છે. 6 સભ્યોએ વિશ્વની સૌથી કઠીન મેરેથોન તથા અન્ય 6એ સાતારા પહાડ ચઢાણની મેરેથોન દોડ પુર્ણ કરી છે.
જામનગર સાયકલિંગ ક્લબનાં સભ્યો ડૉ. રાજેન્દ્ર વિરાણી, ડૉ. તપન મણિયાર, રાહુલ ગણાત્રા, ધર્મેશ પાટીદાર,
લીના ભટ્ટએ લેહમાં 11430 ફૂટની ઊંચાઈ પર યોજાયેલી વિશ્વની સૌથી કઠિન 21.2 કિમી મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરી અને લદ્દાખ HIGH ALTITUDE પર અંશૂલ રાઠોરે 42.2 કિમી ની સંપૂર્ણ મેરેથોન 5.15 કલાકમાં જ પૂર્ણ કરીને અદ્ભુત પ્રદર્શન કર્યું હતું.
તેમજ ડો જયદીપ મંકોળી, ડૉ મેહુલ શાહ, ડૉ શેખર સાઠેય, સાગર શાહ, સંદીપ પતિરા, દેવાંશી પતિરાએ (જે 18 વર્ષ થી પણ નાની વયે) સાતારા માં યોજાયેલ પહાડ ચઢાણ ની 21.2 કિમી ની મેરેથોન દોડ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ છે.
તેમણે તેમની વ્યસ્ત કારકિર્દી અને પારિવારિક જીવન વચ્ચે આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે કોરોના મહામારી દરમિયાન જોગિંગ શરૂ કર્યું અને ધીમે ધીમે મેરેથોન માટે તાલીમ લીધી હતી. આ માટે તેઓ સવારે વહેલા ઉઠીને પ્રેક્ટિસ કરતા હતા અને કામ વચ્ચે પણ સમય કાઢતા હતા.
આ લોકોએ અગાઉ પણ ઘણી સિદ્ધિઓ મેળવી છે, જેમાં 60 કિલોમીટરની અદાણી અલ્ટ્રા મેરેથોન, મુંબઈની ટાટા ફુલ મેરેથોન, અને 200 થી 1200 કિલોમીટરની સાયકલ સવારીનો સમાવેશ થાય છે. તેઓએ પોરબંદરમાં દરિયાઈ તરણ સ્પર્ધા અને ટ્રાયથલોન પણ પૂર્ણ કરી છે, જેમાં તરવું, સાયકલ ચલાવવું અને દોડવું – ત્રણેયનો સમાવેશ થાય છે.
લેહની મેરેથોન માટે, તેમણે એક અઠવાડિયા પહેલા ત્યાં જઈને ઓછી ઓક્સિજનવાળી પરિસ્થિતિમાં શરીરને અનુકૂળ બનાવ્યું. આ સિદ્ધિ દર્શાવે છે કે ઉંમર અને વ્યસ્ત જીવનશૈલી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરવામાં અવરોધ નથી. આ લોકો રાષ્ટ્રીય સ્વસ્થ ભારત માટે પ્રેરણાદાયક ઉદાહરણ બન્યા છે. લોકો રૂટીન જીવનશૈલીમાં સાયકલનો ઉપયોગ કરે અને ફીટનેશ પ્રત્યે લોકોને જાગૃત કરવા અને ફીટનેશનો સંદેશ લોકો સુધી પહોંચાડવા જામનગર સાયકલીંગ સભ્યો વિવિધ સાહસિક ઇવેન્ટમાં ભાગ લે છે. અને ફીટનેશનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે.


